જામનગરના લાલપુર બાયપાસ થી ઠેબા ચોકડી વચ્ચે માર્ગ પર પરમદિને મોડી રાત્રે 03:00 વાગ્યા આસપાસ કેટલાક નબીરાઓના ટુ વ્હીલરમાં સ્ટંટ કરતા વીડિયો સામે આવ્યા હતા, જે વીડિયોના આધારે જામનગરની ટ્રાફિક શાખાએ ત્રણેય વાહન ચાલકો ને શોધી કાઢ્યા હતા, અને ત્રણેય સગીર વયના હોવાનું જાણવા મળ્યું હતું. જે ત્રણેયના વાહનો ડીટેઇન કરી લેવાયા છે. માત્ર 15 અને 17 વર્ષની વયના ટાબરીયાઓ જોખમી સ્ટંટ કરતા હોવાનું સામે આવતાં વાલીઓએ પણ ચેતવાની જરૂર છે.

જામનગરના લાલપુર બાયપાસ રોડ પર બાઇક અને સ્કૂટર પર બેફામ સ્પીડે વાહન ચલાવીને સ્ટંટ કરી રહેલા બાઇકર્ષનો પીછો કરીને એક કાર ચાલકે વિડિયો બનાવી લીધા બાદ શહેર ભરમાં વાયરલ થયો હતો, જે વિડિયો ના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તાત્કાલિક અસરથી આવા સ્ટંટ બાજોને શોધી કાઢવા માટેનો ટ્રાફિક શાખાને આદેશ કરાયો હતો.
જેથી ટ્રાફિક શાખાના પી.આઈ. એમ.બી. ગજ્જર તેમજ ટ્રાફિક શાખાની ટુકડીએ વિડિયો નિહાળીને તેમાં એક વાહન ના નંબર મેળવી લીધા હતા અને આખરે ગઈ કાલે સાંજ સુધીમાં ત્રણેય વાહન ચાલકો સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.જે ત્રણેય વાહનચાલકો જામનગરના કાલાવડ નાકા બહાર રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
જેમાં પોલીસે ત્રણેય વાહન ચાલકોને બોલાવતાં એક બાઈક ચાલક કે જેના બાઈક ના નંબર જીજે 10 સી.એચ. 0772 હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને તે બાઈકના ચાલકની તપાસ કરતાં તે માત્ર 15 વર્ષની વયનો હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તેની સાથે અન્ય બે એક્સેસ સ્કૂટર ચાલકો કે જેમાં એક ના નંબર જી.જે.-10 ડી.એલ. 1260 અને બીજા એક્સેસ સ્કૂટરના નંબર જીજે -10 ડી.ઇ. 7762 હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને બંને એક્સેસ સ્કૂટર પણ પોલીસ દ્વારા ડીટેઇન કરી લેવામાં આવ્યા હતા. અને તે બંને વાહનના ચાલકોની ઉંમર પણ માત્ર 17 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું.
ઉપરોક્ત ત્રણેય ટાબરીયાઓ કે જેઓ પુખ્ત વયના ન હોવા છતાં વાહન ચલાવતા હોવાનું અને ખાસ કરીને અન્ય લોકોની જિંદગી જોખમાય તેવા જોખમી પ્રકારના સ્ટંટ કરતા હોવાથી ટ્રાફિક શાખાની ટીમ દ્વારા ત્રણેય સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 4-181, 5-180, 178(2), 184 અને 179 હેઠળ કાર્યવાહી કરી છે, અને ત્રણેય વાહનો ડીટેઇન કરી લઈ પોલીસ હેડ ક્વાર્ટર માં જમા કરાવી દેવાયા છે અને ત્રણેય સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેરના વાલીઓ કે જેના આવા કુમળી વયના બાળકો મોડી રાત્રે હાઇવે પર જોખમી સ્ટંટ કરતા હોય છે, જેથી તેના મા-બાપે પણ ચેતવાની ખૂબ જ જરૂર છે. અને પોલીસે ત્રણેય ટાબરીયાના વાલીઓનું પણ આ બાબતે ધ્યાન દોર્યું છે.