View this post on Instagram
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં બાઇકચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ દરમ્યાન ચોરાયેલ મોટરસાયકલ સાથે બે શખ્સો પાટણ જંગલ વિસ્તારમાં થઇ જામજોધપુર તરફ જવાના હોવાની જામજોધપુરના હે.કો. ધર્મેન્દ્રસિંહ કંચવા, પો. કો. વલ્લભભાઇ ભાટુ અને પ્રકાશભાઇ ભાટિયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને મદદનિશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ. એસ. રબારી, એએસઆઇ આર. એ. વાઘ, હે.કો. ધર્મેન્દ્રસિંહ કંચવા, જિતેશભાઇ વશરા, પો.કો. વલ્લભભાઇ ભાટુ, પ્રકાશભાઇ ભાટિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ગાય સર્કલ, જામજોધપુર પાસેથી વિજય ઉર્ફે ડિગ્રી કાનજી વીરજી સાડમિયા તથા રામકુ ઉર્ફે રામકો કાળુ વાઘેલા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.
બન્નેની પૂછપરછ હાથ ધરતા અન્ય આરોપી સાથે મળી મોરબી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર જિલ્લાઓમાં અલગ અલગ બાઇકચોરી, લૂંટ, ધાડ, અપહરણ તથા પ્રોહિબિશનના ગુના આચર્યાનું સામે આવ્યું હતું. બન્ને આરોપી પાસેથી અલગ અલગ જિલ્લાઓમાંથી થયેલી ચોરીના ચાર કેસનો ઉકેલ આવ્યો હતો. અલગ અલગ જગ્યાએથી ઝાડી-ઝાંખરા તથા પાણીના વોંકળામાંથી જીજે36-કયુ-3540 નંબરનું સ્પ્લેન્ડર, જીજે25-એચ-2047 નંબરનું સીડી ડિલક્સ, જીજે14-બીબી-5118 નંબરનું સ્પ્લેન્ડર તથા જીજે10-સીએ-7311 નંબરનું પેશનપ્રો મોટર સાયકલ મળી કુલ રૂા. 1,15,000નો મુદામાલ કબ્જે કરાયો હતો. આરોપીની પૂછપરછ દરમ્યાન મજૂરીકામઅર્થે જે તે ગામડાંઓમાં બળદગાડા તથા બકરા લઇ ગામમાં પડાવ નાખી રોકાઇને આજુબાજુના ગામમાં રેકી કરી મોટરસાયકલ ચોરી જંગલ વિસ્તાર તથા ઝાડી-ઝાંખરાઓ અને પાણીના વોંકળામાં મુદામાલ સંતાડી 10 થી 15 દિવસ બાદ ચોરી કરેલ મુદામાલ વેંચી દેતા હોવાની કેફિયત આપી હતી.
પૂછપરછ દરમ્યાન અક્ષય ઉર્ફે બુઢિયો ઉર્ફે કાજુ કાળુ વાઘેલા તથા રોહિત કઉ જખાણિયા નામના બે શખ્સોની પણ સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. આરોપી રામકુ ઉર્ફે રામકો વિરૂઘ્ધ તળાજા, બગદાણા, વંથલી તથા દામનગર સહિત 6 પોલીસ સ્ટેશનોમાં, વિજય વિરૂઘ્ધ આજી ડેમ તથા રાજકોટ પોલીસ સ્ટેશનમં, અક્ષય ઉર્ફે બુઢિયો સામે ઢસા, તળાજા તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં તથા રોહિત વિરૂઘ્ધ રાજકોટ આજીડેમ તથા વિંછિયા સહિત સાત પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે.


