ખંભાળિયામાં થોડા સમય પૂર્વે ઝડપાયેલા આરોગ્યને અતિ નુકસાનકર્તા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપ પ્રકરણ સંદર્ભે સ્થાનિક પોલીસે કડક હાથે કાર્યવાહી કરી, રૂપિયા 26 લાખથી વધુની કિંમતની સીરપ (મુદ્દામાલ) સાથે આવી સીરપના ઉત્પાદક એવા પંજાબના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા પંકજ બ્રિજમોહન ખોસલા, અહીંના શક્તિનગર વિસ્તારમાં રહેતા અકરમ નઝીર બાનવા અને બંગલાવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ લીલાધરભાઈ થોભાણીની અટકાયત કરી રિમાન્ડ સહિતની કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં ભાવનગર ખાતે રહેતા લગધીરસિંહ કાળુભા જાડેજા નામના શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે આ અંગે આગળની કાર્યવાહી કરી અને ઉપરોક્ત આરોપી લગધીરસિંહ કાળુભા જાડેજા રાજકોટ પોલીસ મથકના એક ગુનામાં જ્યુડિશીયલ કસ્ટડીમાં હોવાથી ઉપરોક્ત આરોપીનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી, અહીંના તપાસનીસ અધિકારી સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા તેની વિધિવત રીતે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી સી.પી.આઈ. તુષાર પટેલ, પી.એસ.આઈ. ડી.જી. પરમાર, અને આઈ.આઈ. નોયડા સાથે દુદાભાઈ લુણા તથા નાગડાભાઈ રૂડાચ દ્વારા કરવામાં આવી હતી.