સગીર વયની બાળકીને આરોપી સાથે ઝડપી લઇ કાલાવડ ટાઉન પોલીસે અપહરણના નોંધાયેલ કેસમાં એક શખ્સને ટંકારા ખાતેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, ગત તા.28 ના રોજ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકીને અજાણ્યો શખ્સ ફરિયાદીના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. પટેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનારને શોધવા માર્ગદર્શન આપ્યું હતું અને ભોગ બનનારના નંબરની કોલડીટેઈલ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટનું એનાલીસીસ કરતા કેટલાંક નંબર શંકાસ્પદ જણાતા તેના આધારે તપાસ હાથ ધરાતા પીઆઇ વી.એસ. પટેલ તથા એએસઆઇ મયુરસિંહ પરમારને ભોગ બનનાર હાલ મોરબી જિલ્લાના ટંકારા ખાતે હોવાની વિગત મળતા આ અંગે વોચ ગોઠવી એએસઆઈ મયુરસિંહ પરમાર, પો.કો. નવલદાન આસાણી તથા પો.કો. વિપુલભાઈ સોનગરા, ભારતીબેન વાડોલિયા એ મોરબી જિલ્લાના ટંકારા ખાતે જઈ ભોગ બનનારને શોધી લીધી હતી. અને આ કેસમાં સંજય ઉર્ફે શિવમ ઉર્ફે લાલો દેવજી પરમાર નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપી વિરૂધ્ધ અગાઉ મોરબી તાલુકા પોલીસ તથા વાંકાનેર તાલુકા પોલીસ ખાતે અપહરણ તથા દુષ્કર્મ અને પોકસોના ગુનાઓ નોંધાયેલા છે.