જામનગર આમ તો નાનું શહેર કહેવાય છે અને આવા નાના શહેરના મુખ્ય માર્ગો ઉપર દરરોજ સમયાંતરે ટ્રાફિકજામની સમસ્યા અતિ જટિલ બનતી જાય છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લાં થોડાક સમયથી તો ટ્રાફિકે માજા નથી મુકી પરંતુ બેજવાબદાર ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોની બેજવાબદારભરી ફરજ, નિષ્ઠાના કારણે મહદઅંશે ટ્રાફિકજામ સર્જાય છે. આ ટ્રાફિક સમસ્યાનો ભોગ દરરોજ શહેરીજનો બને છે અને મનમાં ને મનમાં ત્રાહિમામ પોકારી ઉઠે છે.
છોટીકાશી તરીકે પ્રખ્યાત એવા જામનગર જેવા ધાર્મિક શહેર આમ તો અન્ય મોટા શહેરોની સરખામણી ઘણું નાનુ છે અને હાલમાં જ આ શહેરના શહેરી વિસ્તારમાં નગરસીમ ભેળવી દેતા શહેરી વિસ્તાર મોટો બની ગયો છે. પરંતુ, નગરસીમ ભેળવી દેવાથી શહેર મોટું અને કહેવાથી સ્વચ્છ તથા સુંદર શહેર નથી બની જતું. આ શહેરના મુખ્ય માર્ગો પર વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા શહેરને સુંદર, સ્વચ્છ અને ભયમુકત બનાવવાની જવાબદારીઓ રહેલી છે. તેવા તંત્ર આ જવાબદારી નિભાવવામાં કોઇ ગંભીરતા લેતા જ નથી અને બેદરકારીને કારણે શહેરમાં અનેક ઠેકાણે ટ્રાફિક જામ તથા આડેધડ પાર્કિંગ ેમજ માર્ગો પર રોિોગીરી અને સ્ટંટ કરતા બાઈકસવારો તથા રાત્રિના સમયે પુરપાટ કારો ચલાવતા ચાલકો ટુ વ્હીલરને ઘણી વખત હડફેટે લેતા હોય છે અને શહેરીજનોનો ભોગ લેવાય છે.
આમ તો શહેરના મુખ્ય રાજમાર્ગો પર જો ટ્રાફિક પોલીસ, ટ્રાફિક સિગ્નલો મોટાભાગે જો સાઈડો બંધ ન કરે તો મહદઅંશે ટ્રાફિકજામની સમસ્યા થતી નથી. અને સિગ્નલ પર ઉભા રહેલા ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિકબ્રિગેડના જવાનો તેની ફરજનો મોટાભાગનો સમય મોબાઇલ જોવામાં પસાર કરે છે અને જો કયારેક જો ટ્રાફિક જામ સર્જાય તો આ જવાનોને તેમનું મોબાઇલમાં પસાર કરતો કિંમતી સમય એને ટ્રાફિકજામ કલીયર કરાવવામાં કાઢવો પડે છે. શહેરના ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ રોડ, નાગનાથ ગેઈટ, વિકટોરીયા પુલ રોડ, રણજીત રોડ, સાત રસ્તા સર્કલ, સમર્પણ સર્કલ, સંતોષી માતાજી મંદિર પાસેનો રોડ સહિતના અનેક માર્ગો પર લગભગ દરરોજ ટ્રાફિક જામની સમસ્યા થતી રહે છે અને શહેરીજનોને આ ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે જેના કારણે નિયત સમયે કોઇપણ સ્થળ પર પહોંચી શકતા નથી. ટ્રાફિકજામમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગયેલી જોવા મળે છે.
નાના એવા શહેરમાં ટ્રાફિક સિગ્નલોમાં લાખોનું આંધણ કરવામાં આવ્યું છે. પરંતુ, એકપણ રોડ પર ટ્રાફિક સિગ્નલો ચાલુ જ નથી હોતા અને સાઈડમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના જવાનો કે ટીઆરબીના જવાનો તેમની મોબાઇલ વ્યસ્તતામાં રચ્યાપચ્યા રહે છે. અવાર-નવાર સર્જાતી ટ્રાફિક સમસ્યામાં જાણે કે, જામનગરની પ્રજાને પોલીસની ધાક જ ન હોય તે રીતે અમુક વાહનચાલકો અને બાઇકસવારે બેફામ પોતાના વાહનો ચલાવતા હોય છે. ટ્રાકિફ જામની સમસ્યા નિવારવાનું કામ પોલીસ અધિક્ષકનું છે પરંતુ છેલ્લાં ઘણાં સમયથી શહેરની ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બનતી જાય છે અને હાલમાં ત્રણ દિવસ દરમિયાન શહેરમાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતોમાં ત્રણ વ્યકિતઓના ભોગ લેવાયા છે. જેમાં પ્રથમ ઘટના ખોડિયાર કોલોની રોડ રસ્તો ક્રોસ કરતા યુવાનને બેફીકરાઇથી આવતી કારે ઠોકરે ચડાવતા મોત નિપજ્યું હતું.
જ્યારે બીજી ઘટના શહેરના ટ્રાફિકથી ધમધમતા ત્રણબતી વિસ્તારમાં બાઈકચાલક વૃધ્ધને ડમ્પરે હડફેટે લેતા વૃદ્ધનં ઘટના્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ ત્રીજો અકસ્મત ઠેબા ચોકડી નજીક બેફીકરાઇથી આવી રહેલા ટ્રકે એકસેસસવારને હડફેટે લેતા ચાલકનું ટ્રકના તોતિંગ વ્હીલ હેઠળ ચગદાઈ જતા મોત નિપજ્યું હતું. આમ જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ભોગ લેવાયા છે. ત્યારે દરેક શહેરીજનના મનમાં એવો પ્રશ્ર્ન ઉઠે છે કે શું પોલીસ કામ કરતી જ નથી ? કે પછી સિગ્નલો ઉપર ઉભા રહીને મોબાઇલમાં વ્યસ્ત રહે છે. સિગ્નલ પર ઉભા રહેતાં પોલીસ કર્મચારીઓ મોટાભાગે મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાનું દરેક શહેરીજને નજરે નિહાળ્યું જ હશે. સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતાં ટ્રાફિક બ્રિગેડના જવાનો જ્યારે પોલીસ અધિક્ષક કે કલેકટર, કમિશનર કે અન્ય કોઇ મંત્રી કે નેતાનું વાહન પસાર થાય તો તરત એલર્ટ પોઝિશનમાં ગોઠવાઈ જાય છે અને આ વાહન પસાર થઈ ગયા બાદ ફરીથી પોતાના મોબાઇલમાં વ્યસ્ત બની જાય છે.
જામનગર પોલીસ આમ તો સમયાંતરે ટુ વ્હીલરો માટેની ટ્રાફિક ડ્રાઈવ કરતી હોય છે. પરંતુ આ ટ્રાફિક ડ્રાઈવમાં માત્રને માત્ર ટુ વ્હીલરોનું ચેકિંગ કરવામાં આવે છે. તે સારી બાબતે છે પણ ટુ વ્હીલરોની સાથે સાથે ફોર વ્હીલર અને ભારે વાહનોનું પણ ચેકિંગ કરવું એટલું જ ફરજિયાત છે જેટલું દ્વિચક્રિય વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. ગઈકાલે હનુમાન ગેઈટ નજીક પોલીસ દ્વારા ટુ વ્હીલરોનું ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.