જામનગરમાં આવતીકાલે તા.20/10/2021ના રોજ ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન (પીસીવી) રસીકરણનો શુભારંભ કાર્યક્રમ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાની અધ્યક્ષતામાં દરેડ સબ સેન્ટર ખાતે સાંજે 4:00 વાગ્યે યોજવામાં આવશે. જેમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ તથા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઈ સાંગાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ન્યુમોકોકલ વેક્સિન નિયમિત રસીકરણમાં સામેલ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે, જે અંતર્ગત જામનગર જિલ્લામાં ન્યુમોકોકલ વેક્સિનનો દરેડ ખાતેથી શુભારંભ કરવામાં આવશે. ન્યુમોકોકલ રસી બાળકોને ન્યુમોકોકલ રોગો જેવા કે ન્યૂમોનિયા, મેનીનજાઇટિસ(મગજનો તાવ) અને બેક્ટેરિયા વિરૂધ્ધ કામ કરે છે અને આ રોગો મુખ્યત્વે બે વર્ષથી નાના બાળકોને થવાનું જોખમ સૌથી વધારે હોય છે. તેથી બાળકોમાં 6 અઠવાડિયાની ઉંમરે પ્રથમ ડોઝ, 14 અઠવાડિયે બીજો ડોઝ તથા 9માં મહિને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જિલ્લામાં ચાલુ માસમાં 1500 જેટલા બાળકોને આ રસીથી રક્ષિત કરી ન્યુમોનિયા તથા મગજનો તાવ જેવા ઘાતક રોગોથી બચાવી લેવામાં આવશે. આ રસીથી બાળમરણમાં પણ ઘણો ઘટાડો જોવા મળશે. આ રસીનો જામનગર જિલ્લાની માતાઓ વધુમાં વધુ પોતાના બાળકોને લાભ અપાવે તેવી જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
જામનગરમાં આવતીકાલથી ન્યુમોકોકલ વેકિસન આપવાનો પ્રારંભ
રસી થકી બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવથી બચાવી શકાશે : દરેડ સબ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ, કલેકટર, ડી.ડી.ઓ.ની ઉપસ્થિતિ