Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવડાપ્રધાનનો ટીકા ઉત્સવ, જામનગરમાં ‘ટીકા’ ઉત્સવ બની ગયો…!

વડાપ્રધાનનો ટીકા ઉત્સવ, જામનગરમાં ‘ટીકા’ ઉત્સવ બની ગયો…!

જામનગર શહેરમાં કોરોના રસીકરણમાં કયા કારણોસર ઘટાડો ? : છેલ્લાં 10 દિવસથી આ બ્રહ્માસ્ત્ર સંદર્ભે લોકોમાં જાગૃત્તતાનો અભાવ કે સરકારની ઢીલી નીતિ? : રસીકરણ દરરોજ 4558 થી આજે 1354 સુધી પહોંચી ગયું!!

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ રહ્યું છે અને આ મહામારીમાં દરરોજ અસંખ્ય લોકો ઝપટે ચડે છે. આ મહામારી અટકાવવા માટે સૌથી મોટું શસ્ત્ર કોરોના વેકિસન છે અને આ વેકિસનને વધુને વધુ લોકોને મળે તે માટે વડાપ્રધાન દ્વારા ટીકા ઉત્સવ શરૂ કર્યો હતો અને આ ટીકા ઉત્સવ દરમિયાન જામનગર જિલ્લામાં વેકિસનેશનનું પ્રમાણ ભેદી કારણોસર અડધાથી પણ ઓછું થઈ ગયું છે. જેથી ટીકા ઉત્સવ જામનગરના તંત્ર માટે ‘ટીકા’ ઉત્સવ બની ગયું છે.

- Advertisement -

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર અવિરત રહયો છે અને ગત વર્ષ કરતા આ વર્ષે આ મહામારી વધુ ઝડપી અને ઘાતક બની ગઈ છે જેના કારણે સંક્રમિત દર્દીઓનો આંકડો દિવસને દિવસે વધી રહ્યો છે સાથે સાથે મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે. એક માસ પૂર્વે દેશમાં માત્ર 15 થી 20 હજાર પોઝિટિવ નોંધાતા હતાં. તેની સરખામણીએ આજની સ્થિતિમાં આ આંકડો અઢી લાખથી વધુ પહોંચી ગયો છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા એક માસમાં 400 થી વધીને 12 હજાર થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2 થી 5 ની વચ્ચે હતો તેને બદલે આજે 110 સુધી થઈ ગયો છે. આ મહામારી સરકારની કાબુ બહાર જતી રહી છે.

આ મહામારીને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવ ની ઉજવણી કરી અને આ સમય દરમિયાન વધુને વધુ લોકોને કોરોના રસીકરણ આપવા માટેની દેશના તમામ રાજ્યોને અપીલ કરી હતી. જેમાં દેશના અનેક રાજ્યોમાં રસીકરણને વેગ આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પણ સહભાગી બન્યું હતું. ગુજરાતમાં ટીકા ઉત્સવ દરમિયાન જામનગરમાં આ ઉત્સવનું પરિણામ કઈંક વિચિત્ર જ આવ્યું છે. જેની પાછળના કારણો માત્ર સરકાર પાસે જ હોય શકે. કેમ કે, વડાપ્રધાનની અપીલ બાદ જામનગર શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણ સતત ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે અને તેની સામે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે.

- Advertisement -

છેલ્લાં 10 દિવસના કોરોના રસીકરણના જામનગર શહેરના આંકડા ઉપર નજર કરીએ તો 10 એપ્રિલ 2021 ના રોજ પ્રથમ ડોઝ 3989 અને બીજો ડોઝ 569 મળી કુલ 4558 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. ત્યારબાદથી આ આંકડો સતત ઘટી રહ્યો છે. જેમાં 11 એપ્રિલના રોજ કુલ 2925, 12 એપ્રિલના કુલ 2412, 13 એપ્રિલના કુલ 1653, 14 એપ્રિલના કુલ 1603, 15 એપ્રિલના કુલ 2036, 16 એપ્રિલના કુલ 1297, 17 એપ્રિલના કુલ 1478, 18 એપ્રિલના 1438, 19 એપ્રિલના 1068 અને 20 એપ્રિલના 1354 આમ છેલ્લાં 10 દિવસથી આ આંકડો સતત ઘટતો જાય છે. 20 એપ્રિલ સુધી કુલ 98953 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular