જામનગર જિલ્લામાં તા.5 જુલાઈથી વંદે ગુજરાત વિકાસ યાત્રા શરૂ થઇ છે ત્યારે જિલ્લા પંચાયત જામનગરના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને શ્રેષ્ઠ અને ગુણવતા સભર સારવાર સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેમજ બીમારીના સમયમાં તેમને કોઈ લાચારીનો સામનો ના કરવો પડે તે હેતુથી તા.19 સુધી PMJAY-MA (આયુષ્માન કાર્ડ) સરળતાપુર્વક લોકોને ઘરઆંગણે જ મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર જામનગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન તેમજ દરેક ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટર તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી ગ્રામ્ય વિસ્તારની જનતાને આ યોજનાના મહતમ લાભ મળી રહે તે માટે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આવકનો દાખલો, રેશનકાર્ડ, આધારકાર્ડ સાથે પરીવારના સભ્યો હાજર રહે તે માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. આ યોજના દ્વારા કુટુંબના સભ્યોને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર યોજના હેઠળ જોડાયેલ હોસ્પિટલમાંથી વિનામૂલ્યે મળી રહેશે.
SECC 2011 સામાજિક,આર્થિક અને જાતિ આધારીત સર્વેક્ષણ અંતર્ગત નોંધાયેલા ગ્રામ્ય અને શહેરી વિભાગના પરિવારોમાં પાત્રતા ધરાવતા લાભાર્થી , ગરીબી રેખા હેઠળ જીવન જીવતા કુટુંબો (BPL સ્ક્રોર 0 થી 20 ), વાર્ષિક રૂ. 4:00 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો, માન્ય પત્રકારા, રાજય સરકારના વર્ગ 3 અને 4 ના તમામ સંવગો પરથી જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ, યુ-વિન કાર્ડ ધારકો, વાર્ષિક રૂ 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સિટીજનો, સામાજિક રીતે વંચિત જુથ ( વૃધ્ધાશ્રમના વૃધ્ધો,અનાથ આશ્રમના બાળકો, વિધવાશ્રમની વિધવા બહેનો અને ત્યક્તાઓ, સાત્વિક જીવન જીવતા સાધુ સંતો, માનસિક રોગીઓ તેમજ નીસહાય લોકો, પીડિતોનું ગ્રુપ (ગુજરાત વિકટીમ કોમ્પાસેશન સ્કીમ -2019ના અસરગ્રસ્ત-રેપ વિકટીમ, એસિડ વિકટીમ,જાતિય હિંસાના ગુનાઓ જેવા બનાવોના અસરગ્રસ્તો, કોરોના વોરિયર્સના કુટુંબો (પોલીસ,સફાય કામદાર અને આરોગ્ય કર્મચારીઓ,કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન અનાથ બનેલા બાળકો તથા રાજય સરકારના જુદા જુદા જાહેર સાહસોના બિન સરકારી અધ્યક્ષ તથા બિનસરકારી ઉપાધ્યક્ષઓને મળવા પાત્ર રહેશે.
યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને PMJAY-MA (આયુષ્માન કાર્ડ) મેળવવા માટે વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન જરૂરી આધાર સાથે ઉપસ્થિત રહેવા તથા વધુમાં વધુ જરૂરિયાતમંદ લાભાર્થીઓ કાર્ડ કઢાવે જે માટે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા દ્વારા પણ જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ યોજનામાં જોડાયેલ હોસ્પિટલમાં જરૂર પડે ત્યારે લોકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.