વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગથી ઈ-વાઉચર બેઝ્ડ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કર્યું છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી લોન્ચ કરાયેલ ઈ-રૂપી એક પ્રીપેડ વાઉચર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે જણાવ્યું કે માત્ર સરકાર જ નહી પરંતુ કોઈ સામાન્ય સંસ્થા, સંગઠન કોઈની સારવારમાં, કોઈના શિક્ષણમાં અથવા અન્ય કામ માટે મદદ કરવા માંગતા હોય તો તેઓ હવે રોકડના બદલે e-RUPI આપી શકશે. તેનાથી એ પણ ખ્યાલ આવશે કે પૈસા યોગ્ય જગ્યા વાપરવામાં આવ્યા છે કે કેમ.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે મળીને તેના UPI પ્લેટફોર્મ પર ઈ-રૂપી વિકસાવવામાં આવ્યું છે. તે ડિજિટલ પેમેન્ટનું સંપૂર્ણપણે કેશલેસ અને કોન્ટેક્ટલેસ માધ્યમ છે.
e-RUPI ના ફાયદા
એ એક QR કોડ કે SMS સ્ટ્રિંગ-બેઝ્ડ ઈ-વાઉચર છે, જેને ડાયરેક્ટ લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવે છે.
સિસ્ટમના વપરાશકર્તાઓ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગને એક્સેસ કર્યા વિના તેમના સર્વિસ પ્રોવાઇડર સેન્ટર પર વાઉચરની રકમ મેળવી શકશે. આ વન ટાઈમ પેમેન્ટ સર્વિસમાં યુઝર્સ કાર્ડ વગર, ડિજિટલ પેમેન્ટ એપ કે ઈન્ટરનેટ બેન્કિંગ વગર પણ વાઉચરને રિડીમ કરી શકશે.
તે એ પણ સુનિશ્ચિત કરે છે કે વ્યવહાર પૂરો થયા પછી જ સેવા પ્રદાતાને ચુકવણી કરવામાં આવે.
સરકારી યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીઓને મળશે. એનાથી ભ્રષ્ટાષ્ટ્રાચાર ઘટશે.