જામનગર તાલુકાના વસઇ ગામમાં રહેતાં અને એકલવાયુ જીવન જીવતાં મહાજન વૃદ્ધાની કરોડોની ખેતીની જમીન ચાર શખ્સોએ પૂર્વઆયોજિત કાવતરું રચી વૃદ્ધાના નામના ખોટા વેચાણ કરાર કરી પચાવી પાડવાના કારસા અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના વસઇ ગામમાં રહેતાં અભણ અને એકલવાયુ જીવન જીવતાં રંજનબેન નરસીભાઇ સુમરિયા (ઉ.વ.73) નામના વૃદ્ધાની વસઇ ગામની સીમમાં આવેલી ખાતા નંબર 895, જૂના રેવન્યુ સર્વે નંબર 177/2, નવા રે. સર્વે નંબર 318ની 1-35-31 હેકટરની રૂપિયા 10 કરોડની ખેતીની જમીન પચાવી પાડવા માટે રાજકોટના સવદાસ અરજણ ચાવડા, ટીમડીના કિશોર હેમગર ગુસાઇ, ખંભાળિયાના બેરાજા ગામના પુંજા કારૂ કરમુર અને વકીલ રણછોડ નરશી પરસાણા સહિતના ચાર શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી વૃદ્ધાના નામનો ખોટો વેચાણ કરાર તૈયાર કરી ખોટા અંગુઠાના નિશાન તૈયાર કરી, ખોટી ઓળખ અને સાક્ષી તથા પુરાવાઓ આપી સિવિલ કોર્ટમાં આ વેચાણ કરારને ખરા તરીકે રજૂ કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ કૌભાંડ અંગેની જાણ થતાં વૃદ્ધા રંજનબેન દ્વારા સિક્કા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઇ જે. જે. ચાવડા તથા સ્ટાફએ દસ્તાવેજો કબ્જે કરવા, જમીન પચાવી પાડનાર શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


