ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં દર્શન કરવા માટે ફેરીબોટનો સહારો લેવો પડે છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન હોવાના લીધે જેટી પર બોટ લંગારી શકાવવાની શક્યતા ન હોવાના કારણે આ ફેરીબોટનું સંચાલન કરતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સેવા બંધ કરાવવામાં આવી છે.
આજે પૂનમ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો. કારણ કે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા પૂનમ ભરવા આવતા હોય છે. ત્યારે આ ભક્તો બેટ દ્વારકા દર્શન કરવા પણ અચૂક જતા હોય છે. એકંદરે રોજબરોજ હજારોની સંખ્યામાં બહારગામથી યાત્રીકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. ત્યારે આ યાત્રિકો બેટ દ્વારકા દર્શન કરવા પણ જતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ભારે પવનના લીધે દરિયાના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે. અને ભારે મોજાના કારણે ફેરીબોટ સામાન્ય સ્થિતિ કરતા પાણીમાં વધારે હાલક-ડોલક હોય છે. ત્યારે બહારગામથી આવતા યાત્રિકો આવી પાણીમાં ડગમગતી બોટમાં ચડી શકવામાં સક્ષમ નથી હોતા અને અકસ્માત થવાનો ભય રહે છે.
યાત્રીકોની સલામતી માટે આ ફેરીબોટનું સંચાલન કરતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આજે સતત ત્રીજા દિવસે પણ ફેરીબોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ મુદ્દે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પવન સામાન્ય થતા ફરી વખત આ ફેરીબોટ સેવા પૂર્વવત કરી દેવામાં આવશે. ફેરીબોટ સેવા બંધ હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકોની ભારે ભીડ જેટી ઉપર એકત્ર થતા ટ્રાફિકને નિયંત્રણમાં કરવા ઓખા મરીન પોલીસના પી.આઈ. દેવ વાંઝા દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે અહીં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.