લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામમાં વીજચેકીંગ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણ તથા બુસ્ટર કેપીસીટર ઉતારવા જતાં સમયે શખ્સે પીજીવીસીએલના જુનીયર ઈજનેર તથા સ્ટાફને વીજ જોડાણ કાપતા નહીં નહીંતર ટાટીયા ભાંગીને પતાવી દેવાની ધમકી આપનાર સામે ફરજમાં રૂકાવટ અને ધમકીનો ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર ગામમાં પીજીવીસીએલમાં જૂનીયર ઈજનેર તરીકે ફરજ બજાવતા કિશનભાઈ ચનિયારા તથા તેમના સ્ટાફ દ્વારા બુધવારે સવારના સમયે કાનાલુસ કેજી ફીડરના વાડી વિસ્તારમાં વીજચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામમાં ચેકિંગ સમયે દિલીપ રણછોડ રાઠોડ નામના શખ્સના ખેતરમાં ગેરકાયદેસર વીજ જોડાણ અને બુસ્ટર કેપેસીટર હોવાથી પીજીવીસીએલના સ્ટાફ દ્વારા જોડાણ કાપવાની તથા કેપેસીટર ઉતારવાની કામગીરી કરતાં હતાં ત્યારે દિલીપ રાઠોડ નામના શખ્સે જૂનીયર ઈજનેર કિશનભાઈ અને સ્ટાફના બાબુભાઈ ઢચા, અજયભાઈ છેતરીયા સાથે ધોકો લઇને આવી ‘તમે અહીંયા બીજીવાર આવતા નહીં નહીંતર આ ધોકો કોઇનો સગો નહીં થાય’ ‘અહીંથી ચાલ્યા જાવ, નહીંતર ટાટીયા ભાંગી નાખશું અને પતાવી દેશું’ તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.
આ બનાવ અંગે કિશનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.કે. ગઢવી તથા સ્ટાફે મચ્છુબેરાજાના શખ્સ સામે ફરજમાં રૂકાવટ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.