જામનગર તથા દ્વારકા જિલ્લામાં વિજ ગ્રાહકોને વિજબીલની રકમ બાકી હોય તેવાં ગ્રાહકોને બાકી રહેતાં વિજબીલના નાણાં તાત્કાલીક સમયમાં ભરપાઇ કરી આપવા જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરની યાદી જણાવે છે.
વીજ બીલની રકમ બાકી હોય તેવા ગ્રાહકો સામે ચાલુ માસમાં જ નાણાંની વસુલાત કરવા માટે ખૂબ જ કડકાઇથી કાર્યવાહી હાથ ધરાવામાં આવેલ છે, જે અંગે વિજ જોડાણો કાપવા માટે મોટી સંખ્યામાં ટીમ બનાવી મીટર તથા સર્વિસ ઉતારી લેવા માટે બંને જીલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે, અને જે અંતર્ગત ચાલુ માસમાં તા.19.03.21 સુધીમાં કુલ 19,131 ગ્રાહકો દ્વારા વિજ બીલના નાણાં ભરપાઇ કરી આપેલ છે. તેમજ 1141 જેટલા ગ્રાહકોના વિજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે અને સદર કાર્યવાહી ચાલુ માસમાં આવતા રજાના દિવસોમાં પણ (શનિ/રવિ તથા જાહેર રજાઓ) અવિરત પણે ચાલુ રાખવામાં આવશે અને વિજ બીલના નાણાંની રકમ ગ્રાહકો દ્વારા સમયસર ભરપાઇ થાય તે માટે તમામ ઓફિસના કલેકશન સેન્ટર પણ રજાના દિવસોમાં કાર્યરત રહેશે તેમજ હવે પછીના દિવસોમાં પણ બાકી રહેલ તમામ બાકીદારોના વિજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી ચાલુ રહેશે અને ચાલુ માસમાં રકમ ભરપાઇ ન કર્યે કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વિજ જોડાણ રદ કરવામાં આવશે. આથી ગ્રાહકોએ બાકી રહેતાં વિજ બીલના નાણાં તાત્કાલીક સમય મર્યાદામાં ભરપાઇ કરી આપવા પીજીવીસીએલ દ્વારા અનુરોધ કરાયો છે.
વિજ બીલના નાણાંની કેશલેસ ચુકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરા પાડવામા આવેલ વિવિધ માધ્યમોથી પણ પણ ગ્રાહકો વિજ બીલની ચુકવણી કરી શકે છે જેમ કે, ઇસીએસ, ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ (કંપનીની વેબસાઇટ www.pgvcl.com/ પીજીવીસીએલની પે.વિ.કચેરી ખાતેના POS મશીન દ્વારા) કંપનીની વેબસાઇટ www.pgvcl.com મારફત UPI મોડથી, ઇન્સ્ટા પેમેન્ટ/ઇ-વોલેટ, ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઇટ મારફત, એ.ટી.એમ મશીન (HDFC/ICIC/BOB), RTGS/NEFT(એચ.ટી.ગ્રાહકો માટે)થી ચૂકવણી કરી શકાશે.