રશિયા-યુક્રેન યુધ્ધ બાદ પ્રથમવાર ક્રૂડ તેલમાં મોટો કડાકો સર્જાયો છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડનો ભાવ 90 ડોલરની નીચે ઉતરી ગયો હતો. બ્રેન્ટ ક્રૂડ 94 ડોલર પર ધસી આવ્યું હતું. છ મહિનાનો આ સૌથી નીચો ભાવ થયો છે. અમેરિકામાં ઇંધણની ઘટતી ડીમાંડ તથા વૈશ્ર્વિક આર્થિક મંદીની ભીતિને કારણે ક્રૂડ તેલ તૂટવા લાગ્યું હોવાનો નિષ્ણાંતોનો દાવો છે. અમેરિકાના સરકારી રીપોર્ટમાં એમ કહેવાયું છે કે 2020ના ઉનાળાની સરખામણીએ અમેરિકનો વાહન ઓછા ચલાવે છે. આર્થિક સ્લોડાઉનની ભીતિથી ક્રૂડની ડીમાંડ પર અસર છે. વેસ્ટ ટેકસાસ ઇન્ટરમીડીયેટ ક્રૂડના ભાવ 90 ડોલરની નીચે સરક્યા તે ઘણો મહત્વનો અને સૂચક ઘટનાક્રમ છે. આર્થિક મંદીનું જોખમ વધી રહ્યું છે તે હકીકત બનવાના સંજોગોમાં કેટલીક અસમતુલા સર્જાઇ શકે છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ક્રૂડનો જેટલો ભાવવધારો થયો હતો તે વર્તમાન ઘટાડાથી સંપૂર્ણ સરભર થઇ ગયો છે. ભાવ યુધ્ધ પૂર્વેના સ્તરે આવી ગયો છે. ગત માર્ચમાં ભાવ 130 ડોલરની ઉંચાઈએ પહોંચી ગયો હતો. સંભવિત આર્થિક મંદીથી ઉર્જા ડીમાંડ તળીયે જવાની આશંકા છે.ઓપેક દ્વારા સપ્ટેમ્બરથી દૈનિક સપ્લાયમાં એક લાખ બેરલનો વધારો થવાનો છે. મોંઘવારી પર અંકુશ આવે તે માટે સસ્તુ ક્રૂડ જરુરી છે. અમેરિકી પ્રમુખ જો બાઈડને તાજેતરમાં સાઉદી અરેબીયાની મુલાકાત લઇને ઉત્પાદન વધારવાનું આહવાન કર્યું હતું છતાં દૈનિક સપ્લાયમાં મામુલી વધારો કરવા જ ઓપેક રાષ્ટ્રો સંમત થયા હતા.