ખંભાળિયા તાલુકાના દાતા ગામના એક શખ્સને વિવિધ ગંભીર ગુનામાં જિલ્લા કલેક્ટરના હુકમથી એલસીબી પોલીસે પાસાના ગુના હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દીધો છે.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતો જસવંતસિંહ ઉર્ફે જેસંગજી ઉર્ફે હકો બળુભા ઉર્ફે બળવંતસિંહ જાડેજા નામના 33 વર્ષના શખ્સ સામે છેલ્લા ચારેક વર્ષના સમયગાળામાં હત્યા, એટ્રોસિટી, ફરજમાં રૂકાવટ, પ્રોહીબીશન તથા ગંભીર મારામારી અંગેના ગુના પોલીસ દફતરે નોંધાયા હતા.
ઉપરોક્ત માથાભારે શખ્સ સામે ખંભાળિયાના પી.આઇ. વી.વી. વાગડિયા દ્વારા પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી, જિલ્લા કલેકટર સમક્ષ મૂકવામાં આવી હતી. જે અંગે જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ આ દરખાસ્ત મંજૂર કરતા એલસીબી પી.આઇ. જે.એમ. ચાવડાએ પાસાનું વોરંટ મેળવી અને ઉપરોક્ત આરોપીની અટકાયત કરી, તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડા, પીએસઆઈ એસ.વી. ગળચર અને ટીમ ઉપરાંત ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.