માણસના હાથ-પગ બાંધી મોંઢે ડૂચો મારી પછી એને ડામ દેવામાં આવે તો એ માણસ સામાન્ય ઉંહકારો કર્યા સિવાય બીજું કશુ જ કરી શકે નહીં. બસ આવી જ કાંઇક હાલત વર્તમાન મોંઘવારીને કારણે બાપડી પ્રજાની છે. પેટ્રોલ -ડીઝલ અનેગેસના ભાવ આટઆટલા વધવા છતાં પ્રજા ઉંહકારો પણ કરી શકતી નથી. કારણ, મજબૂરી એ છે કે પ્રજા પાસે કોઇ વિકલ્પ નથી. એમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભાજપ સરકારે દેશમાં વિકાસની હરણફાળ ભરી છે. પરંતુ માત્ર વિકાસથી સામાન્ય માણસનું પેટ ભરાતું નથી. સીક્સ લેન રોડ બને ક્ર ફલાય ઓવર બને તેથી સામાન્ય માણસને કોઇ ફરક પડતો નથી. પરંતુ મોંઘવારી સાથે આમજનતાને સીધો સંબંધ છે. અહીંમૂળ વાત પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં થયેલા આકરાં વધારાની કરવાની છે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રૂપિયા 100ને પાર કરી ચૂકયા છે. બીજી તરફ સીએનજી અને રાંધણ ગેસના ભાવ પણ કૂદકેને ફૂસ કે વધી રહ્યા છે.આમાં સ્કૂટર પરફેરી કરીને રોજેરોજનું કમાઇને ગુજરાત ચલાવતા ગરીબ માણસની હાલતશું થાય ? રૌજ રૂપિયા 200 માંડ કમાતો ફેરિયો સ્કૂટરમાં પેટ્રોલ ભરાવે કે પોતાના પરિવારનું પેટ ભરે એ એક યક્ષ પ્રશ્ર્ન છે.
ઇંધણના ભાવ બાંધણા પ્રત્યે સરકારે પોતાના હાથ ઉંચા કરી દીધા છે પરિણામે ઓઇલ કંપનીઓ પોતાની મનમાની ચલાવે છે અથવા તો સરકારનું ઓઇલ કંપનીઓ સામે કાંઈ ઉપજતું ન હોય એવું લાગે છે અને કાં તો સરકારને ઇંધણના ભાવ કાબૂમાં લેવા માટે કોઇ રસ નથી. માની લો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂડના ભાવ વધે છે પણ જો સરકાર ઇચ્છે તો ટેક્સ ઘટાડીને પણ ઇંધણના ભાવ ઓછા કરી શકે પણ સોનાના ઇંડા આપતી મુરધીનેમારવા સરકાર ઇચ્છતી નથી.ટેક્સ એ સરકાર માટે દૂઝણી ગાય જેવો છે. એટલે ટેકસમાંથી ઉપજતું અઢળક નાણું મેળવીસરકાર પોતાની તિજોરી ભરી રહી છે. ‘વરમરો, વરની માં મરો, ગોરનું તરભાણું ભરો’ની જેમ પ્રજા બાપડી ભલે પિસાય પણ આપણી તિજોરી ભરાવી જોઇએ એવી સરકારની નીતિ હોય તેવું ઇંધણના વધતા ભાવ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.
પહેલાં ઇંધણના ભાવ બે-ત્રણ મહિને બેથી ત્રણ રૂપિયા વધતા ત્યારે પ્રજામાં દેકારો બોલી જતો. એટલે સરકારે એનો તોડ કાઢયો. રોજ25 થી 30 પૈસા ભાવ વધારવો. જેથી પ્રજાને આકરૂ ન પડે અને દેકારો પણ ન થાય પણ આ મામુલી લાગતો ભાવ વધારો એક પ્રકારનું ધીમુ ઝેર છે જે ધીમે ધીમે પ્રસરે છે અને કષ્ટ પણ નથી લાગતો. આમ પૈસામાં કરાતો ઇંઘણનો ભાવ વધારો એ એક પ્રકારનું ધીમુ ઝેર જ છે. જે આજે સો રૂપિયાને પાર કરી ચૂકયું છે.
આપણી કમનસીબીએ છે કે, વિરોધ પક્ષ નબળો છે એ વિરોધ તો કરેછે પણ એનાવિરોધનું કાંઇ ઉપજતુું નથી. જો કે બિચારા વિરોધ પક્ષને વિરોધ કરતાપણ નથી આવડતો. રસ્તા પર દેશી ચુલામાં રસાઇ બનાવ., ગાડા પર સવારી કશે. આવા વાહિયાત વિરોધથી સરકારને કોઇ જ અસર ન થાય. વિરોધ તો એવો હોવો જોઇએ કે સરકારની ખુરશી હલી જાય.
દેશની બીજી કમનસીબી એ છે કે ભાજપ સિવાય કોઇ વિકલ્પ નથી. મોટામાં મોટો વિરોધ પક્ષ કોંગ્રેસ છે પણ કોંગ્રેસમાં એવો કોઇ સક્ષમ નેતા નથી જે પ્રજા ચૂંટીને સત્તાપર લાવે. એટલે પ્રજાને ના છૂટકે મોંઘવારી મુદ્દે ભાજપનેજ સહન કરવો પડે છે.
એમાં બે મત નથી કે ભાજપે ગરીબો અને ખેડૂતો માટે ઘણી સારી યોજનાઓ અમલમાં મૂકી છે, વિકાસ કામો પણ ઘણા કર્યા છે જે નજરે જોઇ શકાય છે પરંતુ મોંઘવારી એના હાથની વાત ન હોય તેમ બેફામ વધી રહી છે. જે ક્યાં જઇને અટકશે તે ખુદ સરકારને પણ ખબર નથી.
સરકારે ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું છે કે ઇંધણના ભાવ ઘટશે નહીં. આવું બેધડક ક્યારે ક્હી શકે છે ? એને ખબર છે કે પ્રજા પાસે આપણી સિવાય કોઇ બીજો વિકલ્પ નથી. જો વિરોધ પક્ષ મજબૂત હોત તો સત્તા છીનવાઇ જવાના ડરથી પણ ઇંધણના ભાવ કાબૂમાં હોત. ખેર નશીબ પ્રજાના બીજું શું !
પ્રજાનાં હાથ-પગ બાંધેલાં, મોઢે ડૂચો અને મોંઘવારીના ડામ અપાઇ રહ્યા છે !
લબ્ધ પ્રતિષ્ઠિત અખબારમાં ‘રોબિન માંકડ’ એ શું લખ્યું? વાંચો