ગુજરાતમાં ચાલી રહેલ કોરોનાની મહામારી વચ્ચે રેમેડેસિવિરની અછત સર્જાઈ રહી છે. તેવામાં લોકો પાસેથી અનેક ગણો ભાવ વસુલી નકલી ઇન્જેક્શન આપનાર એક વધુ ગેંગની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્રારા 7 જેટલા શખ્સોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી 133 ઇન્જેક્શન અને 21 લાખ રોકડા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ શખ્સોએ રેમેડેસિવિરના નામે ટેટ્રાસાઇકલના 100 રુપિયાના ઈન્જેક્શન ખરીદીને રાયપુરમાં રેમડેસિવિર ઈન્જેકશનનાં સ્ટિકર બનાવ્યાં હતાં. અને બાદમાં સોદો કરતા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્રારા રેમેડેસિવિરના નામે નકલી ઈન્જેકશન બનાવતું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે ચાંદખેડા ખાતે સનપ્રીત નામનો શખ્સ જય ઠાકુરને ઇન્જેક્શન આપવા આવવાનો છે, જેના આધારે ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા. તેમની પાસેથી HETERO કંપનીના 20 ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. સનપ્રિતને પાલડીમાં રહેતા તેના મિત્ર રાજ વોરા પાસેથી લાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે રાજ વોરાના ઘરે તપાસ કરતાં 10 ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. રાજની પૂછપરછ કરતા વસ્ત્રાપુરની હૈયાત હોટેલમાં રોકાયેલા મીતેશ જોશીની પોલીસે ધરપકડ કરી હતી. અને તેની પાસેથી 103 ઇન્જેક્શન મળી આવ્યા હતા. અને વેચાણમાંથી રોકડ રૂ. 21 લાખ મળ્યા હતા. આ સમગ્ર ઇન્જેક્શનો વડોદરામાં રહેતા વિવેક મહેશ્વરી પાસેથી લીધાં હતાં. વિવેક નામનો શખ્સ ફરાર છે.
આ તમામ શખ્સોએ મળીને ટેટ્રાસાઇકલના 100 રુપિયાના ઈન્જેક્શન ખરીદીને રાયપુરમાં રેમડેસિવિર ઈન્જેકશનનાં સ્ટિકર બનાવ્યાં હતાં. એ બાદ હયાત હોટલમાં આ જોખમી ઇન્જેક્શનનો સોદો થતો હતો. અમદાવાદથી લઈનેરાજકોટ, વડોદરા સહીત રાજ્યના અન્ય શહેરોમાં આ ઈન્જેકશન 5000 લોકોને અપાઈ ગયાં હશે, જેમાં કેટલાકના મૃત્યુ થયા હોવાની આશંકાના આધારે હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.