ઉમંગના પર્વ મકરસંક્રાંતિની ગઈકાલે રવિવારે ખંભાળિયાના નગરજનોએ અનેરા ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. ગઈકાલે દિવસ દરમિયાન પવનની વધતી-ઘટતી જતી ગતિ વચ્ચે પણ લોકોએ આખો દિવસ ધાબે રહીને પતંગ ચગાવ્યા હતા.
ઉતરાયણ નિમિત્તે છેલ્લા બે દિવસથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને બજારોમાં પતંગ, ફિરકી-દોરા ઉપરાંત મુખોટા અને પીપૂડાના વિક્રેતાઓને ત્યાં નોંધપાત્ર ઘરાકી જોવા મળી હતી. વિવિધ આકાર, પ્રકારના પતંગોથી બજારો સુશોભિત થઈ હતી અને તમામ વેપારીઓને ત્યાં નોંધપાત્ર ઘરાકી જોવા મળી હતી.
રવિવારે ઉતરાયણ પર્વ નિમિત્તે સવારથી પતંગરસીયાઓએ ધાબા પર તેમજ અગાસી પર પહોંચી ગયા હતા અને તેમના સાથી – મિત્રો વચ્ચે સાથે પતંગ ચગાવી ને આનંદ લૂંટ્યો હતો. ખાસ કરીને યુવા હૈયાઓએ આ પર્વને ઉમંગ, ઉત્સાહથી માણ્યો હતો. શહેરમાં મહદ અંશે બપોર બાદ ધાબા ઉપર નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
આનંદની ચીચીયારીઓ સાથે “એ કાયપો છે” અને “લપેટ… લપેટ…”ની ગગનભેદી ગુંજ સાંભળવા મળતી હતી. બપોરે સ્વાદ શોખીન નગરજનોએ ઊંધિયા-પુરીની મોજ માણી હતી. ધાબા પર પતંગ ઉડાવતા ચીકી, મમરાના લાડુ, બોર વિગેરેનો સ્વાદ પણ લોકોએ માણ્યો હતો. શહેરના તમામ ઊંધિયું વિક્રેતાઓને ત્યાં ઊંધિયાનો સ્ટોક બપોરે જ ખલાસ થઈ ગયો હતો. મોડી સાંજ સુધી પતંગરસીયાઓએ પતંગ ચગાવ્યા બાદ સાંજે ધાબા પર તથા રસ્તા પર આતશબાજી અને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો.
આમ, એકંદરે ગઈકાલે અબાલ-વૃદ્ધ સૌ લોકોએ ઉમંગના આ પર્વને મન ભરીને ઉજવ્યો હતો અને સેવાભાવીઓ તથા દાતા સદગૃહસ્થોએ દાન, પુણ્ય કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.