જામનગર શહેરમાં મટનમાર્કેટ વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.8150 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના હવાઈચોકમાંથી આઈપીએલ ટૂર્નામેન્ટમાં હારજીતનો જૂગાર રમાડતા શખ્સને રૂા.7000 ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં મટન માર્કેટ પાસેની ફતરી મસ્જિદની બાજુમાં જાહેરમાં આઈપીએલ 2025 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરના જૂગાર રમાડતા હુશેન રજાક સેતા અને સલીમ અલ્લારખા સમા નામના બે શખ્સોને પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે રૂા.3150 ની રોકડ રકમ અને 5000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.8150 ના મુદ્દામાલ સાથે દબોચી લઇ બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરમાં હવાઈ ચોક પાસેના વિસ્તારમાં મોબાઇલ ફોનમાં આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાતા 20-20 મેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં જૂગાર રમાડતા રઘુવીરસિંહ જગતસિંહ જાડેજાને દબોચી લઇ તેની પાસેથી રૂા.2000 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.7000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.