Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવરસાદી પાણી ઘરોમાં ભરાતા ચક્કાજામ, મંત્રી, ધારાસભ્ય, મેયર સ્થળ પર - VIDEO

વરસાદી પાણી ઘરોમાં ભરાતા ચક્કાજામ, મંત્રી, ધારાસભ્ય, મેયર સ્થળ પર – VIDEO

ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં કમરડુબ પાણી : 12-12 કલાક સુધી ઘરમાં ભરાયેલા પાણીનો નિકાલ ન થતા પ્રજામાં રોષ : ગુલાબનગર-મોહનનગરના લોકો રસ્તા પર : ટ્રાફિકજામ : મંત્રી રાઘવજી પટેલ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે. મેયર અને મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા

- Advertisement -

જામનગર શહેરમાં ગુરૂવારે મધ્યરાત્રિથી શુક્રવારે રાત સુધીમાં ધોધમાર વરસેલા 13 ઈંચ જેટલા ભારે વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતાં. તેમાં પણ ખાસ કરીને અમુક વિસ્તારોમાં તો વરસાદી પાણી ઘરોમાં ફરી વળ્યા હતાં. આવી પરિસ્થિતિમાં ગુલાબનગરના મોહનનગર વિસ્તારોમાં 12-12 કલાક સુધી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાઇ જતા લોકોએ ગુલાબનગર મુખ્ય માર્ગ પર આવીને ચક્કાજામ કરી દેતા રાજ્યમંત્રી, મેયર, ધારાસભ્ય અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોકોની સમસ્યાનું નિરાકરણ કરવા કામગીરી આરંભી હતી.

- Advertisement -

ચોમાસાનો પ્રારંભ થતા જામનગર શહેર અને જિલ્લામાં મોસમના પ્રથમ વરસાદ કાચા સોના રૂપે વરસ્યો હતો. ગુરૂવારે મધ્યરાત્રિથી શરૂ થયેલા વરસાદે શુક્રવારે સાંજ સુધીના સમય દરમિયાન જિલ્લાનું ચિત્ર જ ફેરવી નાખ્યું હતું. મોસમના પ્રથમ વરસાદને કારણે જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થયો હતો. જ્યારે સસોઇ, ઉંડ અને આજી ડેમમાં નવા નીરની આવક થવાથી આગામી વર્ષમાં પાણીની સમસ્યા હલ થઈ ગઈ હતી. 24 કલાક દરમિયાન વરસેલા 13 ઈંચ જેટલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં અને વરસાદી પાણી ઘરમાં બે-બે ત્રણ-ત્રણ ફૂટ સુધી ભરાઈ જવાથી આ વિસ્તારના રહેવાસીઓના ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન પાણીમાં તણાઈ ગયો હતો. તેમજ ગુલાબનગર પાસેના મોહનનગર વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે વરસાદી પાણી ઘરોમાં ફરી વળ્યા હતાં. જેના કારણે રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. વરસાદી પાણી ભરાયાના 12-12 કલાક થયા છતાં આ પાણીનો નિકાલ થયો ન હતો.

- Advertisement -

જેના કારણે મોહનનગરના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. તંત્રની બેદરકારીના કારણે લોકોએ અપાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી અને આજે સવાર સુધી પાણીનો નિકાલન ન થવાથી લોકો ગુલાબનગર મેઈન રોડ પર પહોંચી ગયા હતાં અને રસ્તો બંધ કરી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પાણીના નિકાલ ન થવાથી ટ્રાફિકજામ કરી દેવાતા મેયર બીનાબેન કોઠારી, રાજ્યમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ભાજપા અગ્રણી જીતુભાઈ લાલ તથા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતાં અને વિસ્તારની મુલાકાત લઇ પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular