દેવભૂમિ દ્વારકામાં ત્રણ દિવસ પૂર્વે બાવા સાધુના સ્વાંગમાં આવેલા એક શખ્સે આઠ વર્ષની બાળકીને મોઢે ડૂમો દઇ પોટલામાં વિંટાળી, થેલીમાં નાખી ભાગવા જતો હતો ત્યારે સ્થાનિકોએ સાધુને ઝડપી લઇ મેથીપાક આપી પોલીસને સોંપી આપ્યો હતો.
બનાવની વિગત મુજબ ગત તારીખ 13 જુલાઈના રોજ સાંજના સમયે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી એક પરિવારની આઠ વર્ષની સગીર બાળાનું અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સંદર્ભે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ બનાવની વિગત મુજબ દ્વારકાના નરસંગ ટેકરી, મચ્છી માર્કેટ પાસે સાંજના સાત વાગ્યાના અરસામાં આઠ વર્ષની બાળકી તેના ઘરથી થોડે દૂર નાસ્તો લેવા માટે ગઇ હતી ત્યારે સાધુના વેશમાં આવેલા એક શખ્સે બાળકીને મૂંગો દઇ, પોટલામાં વિંટી અપહરણ કરી, લઇ જતો હતો ત્યારે તે વિસ્તારમાં રમતા બાળકોને ઘ્યાને આવી જતાં તેમણે લોકોને જાણ કરી હતી. સ્થાનિકો એકઠાં થઇ ગયા હતા. સાધુને આંતરીને તેનું પોટલું તપાસતા તેમાંથી આઠ વર્ષની બાળકી બેશુદ્ધ હાલતમાં મળી આવી હતી. જેથી લોકોએ બાળકીને હોસ્પિટલ ખસેડી પરિવારને જાણ કરી હતી. સાધુના વેશમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સતારા જિલ્લાના કેરગાંવ ખાતે રહેતા સતીશ પ્રકાશ ગુરવ (ઉ.વ.41) નામના શખ્સને આબરૂ લેવાના બદઇરાદાથી બાળાનું અપહરણ કરવા સબબ ધરપકડ કરી હતી. આ પછી આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.


