પેગાસસ જાસૂસી મુદ્દો દેશમાં વકરી રહ્યો છે. સંસદ અને સંસદ બહાર આ મુદ્દે સરકાર વિપક્ષના નિશાના પર છે. એવામાં પેગાસસ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમે પેગાસસ જાસૂસી વિવાદમાં સિટિંગ અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપદે સ્વતંત્ર તપાસ માટે પત્રકારો એન. રામ અને શશિ કુમારે કરેલી અરજી સ્વીકારી લીધી છે. આ મુદ્દે આગામી સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. બીજીબાજુ કેન્દ્રે ’પેગાસસથી જાસૂસી’ કોઈ મુદ્દો જ ન હોવાનું કહ્યું હતું અને આ મુદ્દે સંસદમાં ચર્ચાની તૈયારી દર્શાવી છે. પત્રકાર એન. રામ અને શશિ કુમારની અરજી વરિષ્ઠ વકીલ કપિલ સિબલે મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ રજૂ કરી હતી અને કોર્ટને આગ્રહ કર્યો કે કથિત જાસૂસીની વ્યાપક અસરોને જોતાં તેના પર તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. આ મુદ્દે સંમતિ વ્યક્ત કરતાં મુખ્ય ન્યાયાધીશે આ કેસની સુનાવણી આગામી સપ્તાહે રાખી છે. જોકે, આ સુનાવણી મંગળવાર અને બુધવાર સિવાયના દિવસોમાં હાથ ધરાઈ શકે છે. વરિષ્ઠ પત્રકારોની અરજીમાં કહેવાયું છે કે કથિત જાસૂસી ભારતમાં વિરોધની સ્વતંત્ર અભિવ્યક્તિને દબાવવા અને હતોત્સાહિત કરવાના સરકારી એજન્સીઓ અને સંગઠનોનો પ્રયાસ છે. પેગાસસ સ્પાયવેરના ઉપયોગથી ફોન હેકિંગમાં તપાસ કરવી જરૂરી છે. સરકારની કોઈપણ એજન્સી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવા માટે લાઈસન્સ ધરાવતી હોય તો તે જાહેર કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા અરજીમાં માગણી કરાઈ છે.
દરમિયાન પેગાસસ સ્પાયવેરથી કથિત જાસૂસી અંગે વિપક્ષના વિરોધને ફગાવી દેતાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે કહ્યું કે, પેગાસસ જાસૂસી હકીકતમાં ’કોઈ મુદ્દો’ જ નથી. સરકાર લોકો સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે હંમેશા તૈયાર છે. પેગાસસ વિવાદના કારણે 19મી જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે.