દ્વારકાના જગત મંદિરમાં પરંપરાગત રીતે ઉજવાતા ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે હજારો પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા ભણી વહેવા લાગ્યો છે. આગામી રપ માર્ચે યોજાનારા ફુલડોલ ઉત્સવ માટે સેંકડો કિલોમીટર પદયાત્રા કરીને કાળિયા ઠાકોર સાથે હોળીના રંગે રંગાવા માટે બાળકોથી માંડીને બુર્ઝુગો સુધી દ્વારકા પહોંચી ગયા છે. આ પદયાત્રીઓ માટે માર્ગમાં ઠેર-ઠેર સેવા કેમ્પની વણઝાર પણ લગાવવામાં આવી છે. જેમાં સેવાભાવિ લોકો દ્વારા પદયાત્રીઓની સેવા કરીને પુણ્યનું ભાથું બાંધી રહયા છે. આ ઉપરાંત શ્રધ્ધાળુઓ અનોખી રીતે પદયાત્રા પણ કરી રહયા છે. જેમાં જામનગરના ચેતનભાઇ ગોહિલનો પણ સમાવેશ થાય છે. તેઓ આંખે પટી બાંધીને પગપાળા દ્વારકાધિશ સાથે હોળી રમવા માટે જામનગરથી રવાના થયા છે. અન્ય શ્રધ્ધાળુઓ સાથે દ્વારકા પહોંચીને તેઓ પણ કાળિયા ઠાકોર સાથે ફુલડોલ ઉત્સવમાં ભાગ લેશે.માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના ખૂણેખૂણેથી શ્રધ્ધાળુઓ કૃષ્ણ રંગે રંગાવા માટે દ્વારકા આવી રહયા છે.