દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આગામી ત્રણેક દિવસ દરમિયાન હળવા વરસાદ સાથે માવઠાની આગાહી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા તારીખ 21, 22 આસપાસના દિવસોમાં ખંભાળિયા તેમજ જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં સંભવિત રીતે કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેના અનુસંધાને ખેડૂતો દ્વારા પોતાના પાકના રક્ષણ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માવઠાના કારણે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. અહીંના માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ મગફળી ઉપરાંત કપાસ, જીરૂ જેવી ખેત જણસની વિપુલ પ્રમાણમાં આવક તથા નિયમિત હરાજી કરવામાં આવે છે. સંભવિત રીતે આગામી દિવસોમાં માવઠાના કારણે વરસાદી પાણીથી આ ખેતપેદાશો સુરક્ષિત રહે તે માટે અહીં પૂરતા પ્રમાણમાં શેડ પ્રાપ્ય છે. જેથી મહદ્ અંશે વરસાદી પાણીથી નુકસાની થવાની સંભાવનાઓ ઓછી છે. તેમ છતાં પણ માર્કેટિંગ યાર્ડના સુત્રો દ્વારા સાવચેતીના પગલારૂપે તારીખ 21 તથા 22મી ના રોજ મગફળીના પાકને અહીં ઉતારવા ઉપર હાલ પૂરતી મનાઇ કરવામાં આવી છે.