સમગ્ર દેશમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની તાતી જરૂરિયાત છે. સંસ્કૃતિના રક્ષકો સૌ સંતો છે મંદિરો સમગ્ર સમાજની આસ્થા કેન્દ્રો છે.ધર્મસંતોની શિક્ષા અને શાસ્ત્રો મંદિરોની દિક્ષા પરિણામેજ સમગ્ર ગુજરાતમાં સૌને શાંતિ- સલામતી અને સુરક્ષાની સાચી ઓળખ થઇ છે. વર્તમાનમાં ધર્માન્તરણને રોકીશું તોજ રાષ્ટ્રાંતરણ કયારેય નહીં થાય, તે દિશામાં ધર્મસત્તા અને રાજયસત્તાએ મળીને સહિયારો પુરુષાર્થ કરવાનો છે તેમ ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
નડિયાદ સ્થિત સંતરામ મંદિરના પટાંગણમાં અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રદેશની કાર્યકારણી બેઠક ઉપાધ્યક્ષ પૂ.મોહનદાસજી મહારાજના અધ્યક્ષપદે યોજાઇ હતી. રાજયભરના 137 હિંન્દુ સંપ્રદાયોના સંતો-મહંતો-પીઠાધિપતિઓ આ બેઠકમાં હાજર રહયા હતા.
વધુમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, વીર ક્ષત્રિય રાજપૂતનું ખમીર અને ઝમીર બતાવીને લવજેહાદનો કાયદો લાવવા બદલ વિશિષ્ટ સન્માનપત્ર આપીને તેઓનું સૌ સંતોએ સ્વાગત કર્યુ હતું. ત્યારે પ્રદિપસિંહ જાડેજાએ સન્માનના પ્રત્યુતરમાં જણાવ્યુ હતુ કે, અમારી સરકારે જે વચન આપ્યાં હતાં તે પૂર્ણ કરવા માટે કટિબધ્ધ છીએ. સોગંધ રામકી ખાતે હે હમ મંદિર વહી બનાએગે, તે સૂત્ર મુજબ રામ મંદિરનુ નિર્માણ કાર્ય પુર જોશમાં ચાલી રહયું છે. કલમ – 370ની નાબુદી એકજ ઝાટકે કરી દેવાઇ છે અને કાશ્મિર ભારતનું અવિભાજય અંગ છે તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહે સાબિત કરી બતાવ્યું છે તેવીજ રીતે ગુજરાતમાં ગૌરક્ષા અને લવજેહાદના કાયદાની સાથે ચેઇન સ્નેચીંગ જેવી ઘટનાઓ સાથે પણ સાત-સાત વર્ષની જોગવાઇનો કાયદો ઘડવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સમગ્ર રાજયના સરકારના ચુંટાયેલા પ્રતિનિધિઓ કટિબધ્ધ બન્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશના સંત સમિતિના પ્રમુખ પૂ. નૌતમપ્રકાશદાસજી સ્વામીએ વર્તમાનમાં મંદિરોની માલિકીની જમીનો -મિલકતોમાં પીઠાધિશ્વર કે મુખ્યસંતના દેવ થયા બાદ મિલ્કત ટ્રાન્સફરના સંદર્ભે પડતી મુશ્કેલીઓ નિવારવા, પાંજરાપોળમાં પશુઓને મળતા અનુદાનની રકમમાં વધારો કરવા તથા રાજયભરના મંદિરોમાં મળતા કોર્મશિયલ વીજ બિલોને સામાન્ય વીજ બિલમાં તબદીલ કરવા માટે કાર્યવાહી કરવા ગૃહમંત્રી પ્રદિપસિંહને રજુઆત કરી હતી. જે સંદર્ભે સરકાર સત્વરે સકારાત્મક પગલાં ભરશે તેવી ખાતરી ગૃહમંત્રીએ આપી હતી.
સાથે સાથે સમગ્ર ગુજરાતના અપૂજય-મંદિરોનો સર્વે કરીને તેના પુનરોત્થાન માટેની કાર્યવાહી કરવાનો પણ ઠરાવ કરાયો હતો. ઉપરાંત સમારંભના પ્રારંભેજ દેશ વિદેશમાં સંતો, મહંતોના બ્રહમલીન થયાના, સંદર્ભે બે મિનિટનું મૌન પાળીને સૌને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે સંતરામ મંદિર નડિયાદના મહંત પૂ. રામદાસજી મહારાજે, રાષ્ટ્રીય મહામંત્રી જયેન્દ્રજી સરસ્વતીજીએ પ્રાસંગીક પ્રવચનોમાં ધર્માન્તરણને અટકાવવા, અપૂજય મંદિરોનો પુનરોત્થાન કરવા, ધર્મરક્ષા, સમાજ રક્ષા કરવા ઉપર વિશેષ ભાર મુકયો હતો. તથા ગુજરાતની સંત સમિતિ સમગ્ર દેશમાં રોલમોડલ’ બની રહે તેવા શુભાશીર્વાદ પણ પાઠવ્યા હતા.
સંમેલનમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ, નડિયાદના ઉધોગપતિ દેવાંગ પટેલ વગેરેનું વિશેષ સન્માન કરાયું હતું આ પ્રસંગે કોષાધ્યક્ષ મુદિતવંદનાનંદજી મહારાજ, મહામંત્રી પૂ.રામચંન્દ્રજી મહારાજ, સંયુકત મહામંત્રી પૂ. દામોદરદાસજી મહારાજ સંગઠન મંત્રી પૂ.રામ મનોહરદાસજી મહારાજ, પૂ.ઋર્ષીભારતી પૂ.દ્વારકેશલાલજી મહારાજ, પૂ.દેવપ્રસાદજી મહારાજ, પૂ.દેવકિશોર સ્વામી, પૂ.ર્ડા.સંત વલ્લભદાસજી સ્વામી, પૂ.ભયલુભાઇ બાપુ (પાળીયાદ) વગેરે સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
ગુજરાતમાં શાંતિ અને સલામતી: ગૃહમંત્રી
આ પ્રકારની સ્થિતિ સંતોની શિક્ષા-શાસ્ત્રોની દીક્ષાનું પરિણામ: પ્રદિપસિંહ