જી.એસ.ટી હેઠળ વિવિધ છટકબારીનો લાભ લઈ કરચોરી અંગેના સમાચારો અવારનવાર વાંચવા મળતા હોય છે. આવા જ એક કિસ્સામાં જી.એસ.ટી. હેઠળ કરચોરીના આરોપીએ પોતાની ઉપર PASA લગાડવા ચાલી રહેલી હિલચાલ સામે આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી સામે સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ‘ફ્રોડ’ના બે આરોપી પૈકી કોઈ એક ઉપર PASA લગાડવા અંગે શક્યતાઓ રહેલી છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની બેન્ચ સમક્ષ એ મુદ્દો ઉપસ્થિત થયો હતો કે શું જી.એસ.ટી. કરચોરીના આરોપ હોય તેવા વ્યક્તિ ઉપર પાસાની કાર્યવાહી થઈ શકે ખરી?. એ પણ પ્રશ્ર્ન ઉપસ્થિત થયો હતો કે જો આવા કેસોમાં પાસા લગાડી શકાય તો તેના માટે ક્યાં તબક્કામાં કાર્યવાહી કરી શકાય?? આ કેસમાં ખાસ ગુજરાત રાજ્યના મુખ્ય નાણાં સચિવને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા અને તેમનો પક્ષ રાખવા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપીની કસ્ટડી જે અધિકારી પાસે છે તેવા જિલ્લા કલેક્ટર મહેસાણાને આરોપી ઉપર પાસા લગાડવા કોઈ પ્રસ્તાવ આવે તો તેઓએ પોતાનો પ્રાથમિક સંતોષ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે તેવું અંતરીમ આદેશમાં ફરમાવવામાં આવ્યું હતું. નાણાં સચિવ દ્વારા કોઈ રજૂઆતો આવી ના હતી પરંતુ રાજ્ય જી.એસ.ટી. દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે હાલ આરોપી ઉપર પાસા લગાડવા કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. કોર્ટ દ્વારા સૂચિત નોંધ પણ કરવામાં આવી હતી કે નાગરિક તથા વેપારી વતી જ્યારે કોર્ટ દ્વારા સચિવને જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું હોય તેમ છતાં તેઓ દ્વારા કોઈ પ્રતીભાવ આપવામાં આવતો નથી અને તેના સ્થાને રાજ્ય જી.એસ.ટી. દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવે છે. કોવિડ જેવા મુશ્કેલ સમયમાં જ્યારે વેપાર જગત ફરી બેઠું થવા પ્રયત્ન કરી રહ્યું હોય ત્યારે આ પ્રકારે વેપારી ઉપર લટકતી તલવાર રાખવા છૂટ પ્રશશનને આપી શકાય નહીં. આરોપી અને સરકાર બન્નેના વકીલોની દલીલો સાંભળી કોર્ટ દ્વારા પિટિશનર્સની તરફે આદેશ કરતાં જણાવાયું હતું કે આ પિટિશનના પક્ષકારો ઉપર પાસા જેવી કડક જોગવાઈ લગાડી શકાશે નહીં. વેપારીઓ માટે આ ચુકાદો ખાસ મહત્વ ધરાવે છે. કરચોરી કરવી એ ચોક્કસ નિંદાનીય બાબત છે, પરંતુ ઘણીવાર કરચોરીના સમગ્ર પ્રકરણમાં કોઈ નિર્દોષ વ્યક્તિ પણ ભોગ બની જતો હોય છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો વેપારી આલમ માટે ખૂબ આવકાર દાયક ગણી શકાય.