જામનગર શહેરમાં શનિવારે મીની વાવાઝોડા જેવા પવન સાથે પડેલા તોફાની વરસાદને કારણે શહેરમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતાં અને આ વરસાદથી શહેરમાં રહેલી બે જર્જરિત ઈમારતોમાં નુકસાન થયું હતું.
જામનગર શહેરમાં શનિવારે સાંજે સુસવાટા મારતા પવન સાથે પડેલા વરસાદે શહેરમાં અસંખ્ય વૃક્ષોનો સોથ વાળી દીધો હતો અને વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતાં. વરસાદને કારણે શહેરના જૂના વિસ્તારોમાં રહેલી જર્જરિત ઈમારતો હચમચી ગઈ હતી અને માંડવી ટાવર પાસેના દેવાભાણાની શેરીમાં મધ્યરાત્રિના સમયે એક જર્જરિત મકાનમાં અમુક ભાગ ઘસી પડયો હતો. જો કે, સદનસીબે આ મકાન ખાલી હોવાથી જાનહાની કે ઈજા થઈ ન હતી. તેમજ શહેરમાં નાગનાથ ગેઈટ વિસ્તાર પાસે આવેલા પઠાણફળિયામાં રહેતા સબીર શેખ નામના યુવાનના નળિયાવાળા મકાનમાં ઉપરનો ભાગ તૂટી પડયો હતો અને યુવાનની પુત્રીને નાની મોટી ઈજા થઈ હતી.
અગાઉ જામનગર શહેરમાં રહેલી જર્જરિત ઈમારતો અંગે મહાનગરપાલિકા દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી બાદ જર્જરિત ઈમારતોને નોટિસ ફટકારી મકાનમાલિકોને કાર્યવાહી કરવા જાણ કરી હતી. જો કે, આ મામલે મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકાર્યા બાદ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે આવી જર્જરિત ઈમારતો ધસી પડવાની ઘટનાઓ બનતી રહે છે.