પાકિસ્તાની સેનાનો ભારતીય સેના સાથે કોઈ મુકાબલો નથી. કારણ કે પાકિસ્તાન દારૂગોળાની અછતનો સામનો કરી રહ્યું છે અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ પાકિસ્તાનના બે વરિષ્ઠ પત્રકારોને આ વાત કહી હતી. હવે જયારે બાજવા નિવૃત્ત થયા છે ત્યારે આ વાત જગજાહેર થઈ ગઈ છે. બ્રિટનમાં પાકિસ્તાની મીડિયા યુકે-44 દ્વારા આ વાત જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના ભારત સાથે લડવા માટે સક્ષમ નથી. તેણે પૂર્વ આર્મી ચીફ જનરલ જાવેદ બાજવાને ટાંકીને આ મોટો ખુલાસો કર્યો છે. બ્રિટન સ્થિત પાકિસ્તાની મીડિયા યુકે-44 ને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે ખુલાસો કર્યો હતો કે, ‘આર્મી ચીફ બાજવાએ કહ્યું હતું કે અમે ભારત સામે લડી શકીએ નહીં. ભારત સામે લડવા માટે પાકિસ્તાન પાસે દારૂગોળો અને આર્થિક શક્તિનો અભાવ છે.’ એક વીડિયોમાં હામિદ મીરે બાજવા પર ‘કાશ્મીર વેચવાનો’ આરોપ લગાવ્યો હતો. મીરને એક વીડિયોમાં એવો દાવો કરતા સાંભળી શકાય છે.
બાજવાએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની સાથે કાશ્મીર પર સોદો કર્યો હતો. પરંતુ ઈમરાનને તેની સાથે કોઈ લેવાદેવા ન હતી. તેમણે કહ્યું, ‘કાશ્મીર પર કમર જાવેદ બાજવા ડીલ હજુ સુધી પાકિસ્તાની નાગરિકોને જાહેર કરવામાં આવી નથી.’ હામિદ મીરને કહેતા સાંભળી શકાય છે કે જનરલ બાજવાએ 25 પત્રકારોની સામે કહ્યું હતું કે પાકિસ્તાન આર્મીની ટેન્ક યોગ્ય રીતે કામ કરતી નથી અને ન તો સેના પાસે એટલા પૈસા છે કે તે તેમાં ડીઝલ નાંખી શકે. તેમણે પત્રકારો સમક્ષ આ વાત સ્વીકારી હતી કે પાકિસ્તાનની સેના લડવા માટે સક્ષમ નથી. હામિદ મીર અનુસાર, જનરલ બાજવાએ કાશ્મીર પર ડીલ કરી હતી. જે સમયે એલઓસી પર યુદ્ધવિરામ હતો તે સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનની મુલાકાતે જવાના હતા. હામિદ મીરનો દાવો છે કે મોદી એપ્રિલ 2021માં પાકિસ્તાન જવાના હતા.
જયારે વિદેશ કાર્યાલયને તેની જાણ થઈ, ત્યારે તેઓ ઈમરાન ખાન પાસે ગયા કારણ કે તેઓ આ વિશે અજાણ હતા. ઈમરાન ખાને કહ્યું કે તેઓ આ વાતથી વાકેફ છે અને અજીત ડોભાલ સાથે વાતચીત ચાલી રહી છે. પરંતુ ઇમરાને કહ્યું કે પીએમ મોદીના પાકિસ્તાન પ્રવાસ અંગે તેમની પાસે કોઈ પુષ્ટિ નથી. મીરે એવો પણ દાવો કર્યો હતો કે વિકલ્પોની ગેરહાજરીમાં જાવેદ બાજવાએ ભારત સાથે સામાન્ય સંબંધો રાખવા માટે સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંને પક્ષો કાશ્મીરના ઉકેલ પર કામ કરી રહ્યા હતા, કારણ કે પાકિસ્તાનને સમજાયું કે તેની પાસે ભારત સામે લડવા માટે દારૂગોળો અને આર્થિક શક્તિનો અભાવ છે. ડોનના અહેવાલમાં જણાવાયું છે કે, ચૂંટણીમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાન માટે સુરક્ષાના મુદ્દાઓ પૈકી એક ભારત સાથે ‘સંપૂર્ણ યુદ્ધ’ની ધમકી હતી.


