Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતપંચાયતો-પાલિકાઓની ચૂંટણીઓમાં એકંદરે નોંધપાત્ર મતદાન થયું

પંચાયતો-પાલિકાઓની ચૂંટણીઓમાં એકંદરે નોંધપાત્ર મતદાન થયું

છૂટક બનાવોને બાદ કરતાં રાજયમાં સરેરાશ શાંતિપૂર્ણ મતદાન

- Advertisement -

ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી તેમાં પંચાયતોમાં સરેરાશ 65 ટકા જેટલું મતદાન જ્યારે નગરપાલિકાઓમાં અંદાજિત સરેરાશ મુજબ 55 ટકા આસપાસ મતદાન નોંધાયું છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સાંજે જાહેર કરાયેલાં આંકડા મુજબ આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારો કરતાં લગભગ સવાથી દોઢ ગણું મતદાન નોંધાયું. ગયા અઠવાડીયે 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં આ આંકડો 45 ટકાની આસપાસનો રહ્યો હતો. જો કે પાલનપુર અને વિરમગામમાં મતદાન દરમિયાન થોડી હિંસા થઈ હતી જ્યારે દાહોદમાં બુથ કેપ્ચરિંગનો પ્રયાસ થયો હતો. 2015ની સાલમાં યોજાયેલી ચૂંટણીઓની સાપેક્ષે આ મતદાનમાં પાંચથી સાત ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઇ વખતે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ક્રમશ: 69.55 ટકા અને 69.28 ટકા જ્યારે નગરપાલિકાઓમાં 62.77 ટકા મતદાન નોંધાયું હતું. દરમિયાન રાજ્યમાં અમુક છુટાછવાયાં બનાવોને બાદ કરતાં ક્યાંય પણ મતદાનની પ્રક્રિયા પર વિપરીત અસર થઇ નથી કે કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયા નથી.

ભરૂચમાં સૌથી ઓછું 41.73 ટકા જ્યારે તાપી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 71.44 ટકા મતદાન થયું. તાલુકા પંચાયતોમાં સાગબારા તાલુકા પંચાયતમાં 78.87 ટકા જ્યારે ભરૂચની અંકલેશ્વર તાલુકા પંચાયતમાં સાવ નિરસ 15.01 ટકા મતદાન નોંધાયું. વિવિધ 81 નગરપાલિકાઓ પૈકી બારેજામાં 76.52 ટકાનું જંગી મતદાન જ્યારે સૌથી ઓછું મતદાન ગાંધીધામ નગરપાલિકામાં 40.14 ટકા નોંધાયું હતું.

- Advertisement -

ભાભર અને વિરમગામમાં ભાજપ તેમજ અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જોવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બીજીતરફ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ મતદાન કરવા વિરમગામ આઇટીઆઈ ખાતે પહોંચ્યા હતા. પરંતુ જ્યાં હાર્દિક પટેલે મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-2માં ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular