જામનગર હેડ પોસ્ટ ઓફિસમાં તંત્ર દ્વારા ટોકન વ્યવસ્થા શરુ કરી માત્ર 50 જ વ્યક્તિઓને ટોકન આપવામાં આવતાં હોય, અરજદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ખાસ કરીને કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે સિનિયર સિટિઝનો પેન્શનની રકમ તથા બચતની લેવડ-દેવડમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
જામનગરમાં ચાંદીબજાર નજીક આવેલી હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ વિભાગ દ્વારા ટોકન વ્યવસ્થા શરુ કરવામાં આવી છે. જેમાં એક દિવસમાં માત્ર 50 લોકોને ટોકનની ફાળવણી કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, મુખ્ય પોસ્ટ ઓફિસમાં પેન્શન ધારકોના અનેક ખાતાઓ આવેલા છે. આ ઉપરાંત અન્ય બિલ ચૂકવણી સુવિધા પણ ઉપલબ્ધ હોય, લોકો તેનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ હાલમાં 50 જ ટોકન ફાળવવામાં આવતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
એકતરફ કોરોના મહામારી અને બીજીબાજુ વરસાદી વાતાવરણ વચ્ચે ટોકન મેળવવા લોકોની વ્હેલી સવારથી જ લાઇન લાગે છે. ખાસ કરીને સિનિયર સિટિઝનોને પણ પેન્શન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જેને લઇ પોસ્ટ ઓફિસના આ તઘલખી નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર હેડ પોસ્ટ ઓફિસમાં સ્ટાફના અભાવે ટોકન વ્યવસ્થા શરુ કરવામાં આવી છે. જેનો ભોગ શહેરીજનો બની રહ્યાં છે. ત્યારે આ અંગે પોસ્ટ વિભાગ દ્વારા ફેર વિચારણા કરવામાં આવે તેમ લોકમાંગ ઉઠી છે.