દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે મિયાણી પાવર ઈન્ફ્રા., એલ.એલ.પી. કંપની દ્વારા જમીન ફાળવણી માટે અરજી કરવામાં આવી હતી. અરજી કરતી વખતે નિયત નમૂનાના ફોર્મમાં અરજદારે અરજી કરવાની હોય છે આ નિયત નમૂનાના અરજી ફોર્મમાં કંપનીએ નક્કી થયેલી કોલમોમાં કથિત ખોટી માહિતી છતાં કંપનીનું અરજી ફોર્મ માન્ય કરી લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે આ માન્ય અરજીના આધારે લગત મામલતદાર કચેરી દ્વારા સ્થળ સ્થિતિનો સાચો ચિતાર રજૂ કરી તે જમીન ફાળવવી કે નહીં તેનો નિર્ણય કલેકટર લેતા હોય છે. જે મુજબ ખાખરડા ગામના સરકારી ખરબાઓમાં અલગ અલગ 13 હેકટર જમીન ફાળવણી બાબતે કલ્યાણપુર મામલતદાર અને તેના સર્કલ દ્વારા સ્થળ સ્થિતિનો ચિતાર રજૂ કરતો અભિપ્રાય કરવામાં આવ્યો હતો. નક્કી થયેલી બાબતોનો ભંગ થતો હોવાના ચિત્ર વચ્ચે તંત્રને વીજ પોલ ન દેખાયા, વૃક્ષો ન દેખાયા, ગ્રામ રસ્તાઓ ન દેખાયા, નજીક રહેણાંકના મકાન ન દેખાયા, ધાર્મીક સ્થળ પણ ન દેખાયું, ત્યાં સુધી કે રેલવે લાઇન પણ ન દેખાઈ..???
આ વિસ્તારમાંથી બોક્સાઇટ નીકળે છે. તેવી જગ્યાએ અભિપ્રાયમાં લખ્યું છે કે આ જમીન અન્ય કોઈ હેતુ માટે ઉપયોગી ન હોય જમીન ફાળવવા અભિપ્રાય થાય છે. એટલું જ નહીં, અન્ય અધિકારીએ પણ સરકારી જમીન વહેંચતા કે ભળાપટ્ટાએ આપતા પહેલા ચેકલીસ્ટ ભરવાનું હોય તેમાં તેમણે પણ કંપનીની તરફેણમાં માહિતી રજૂ કરી કંપનીને મદદ કરી હોવાના આક્ષેપો સાથે છેતરપીંડી કરવામાં આવી હોવા અંગેના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે.
ખાખરડા ગામના સરકારી ખરબાઓમાંથી 13 હેકટર જમીન ફાળવણીનો ઓર્ડર થયા બાદ કંપનીના ભારે વાહનો પસાર કરવા રસ્તાઓની મરામત કરવા હજારો ટન માટી, મોરમના ઉપયોગમાં પણ રોયલ્ટી કે ખાણ ખનીજ વિભાગની મંજૂરી ન હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, રસ્તાઓ કાઢવા જ્યાં તળાવ આવ્યા ત્યાં તળાવની પાર તોળી નાખી તળાવમાં માટી મોરમ નાખી તળાવને નુકશાન કરી રસ્તાઓ કાઢ્યા, ગામમાં રાજાશાહી સમયનું પાનોર તળાવ હતું, તેની વચ્ચોવચ 10 ફૂટ ઊંચો પાળો બાંધી તળાવના બે ભાગ કરી અર્ધું તળાવમાં માટી, મોરમ ભરી અર્ધું તળાવ બુરી નાખ્યું ઉપરોક્ત સણસણતા આક્ષેપો સાથેની તમામ બાબતોની તારીખ 26/07/2021 ના રોજ કિસાન કોંગ્રેસ દ્વારા લેખિત ફરિયાદ જિલ્લા કલેક્ટર, ખાણ ખનીજ અધિકારી, પોલીસ વડાને પણ કરવામાં આવી હતી. તેના 15 દિવસ પછી પણ કોઈ નક્કર તપાસ કે કામગીરી કરવામાં કે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે કંપનીને જાણે બળ મળ્યું હોય તેમ આ 15 દિવસના ગાળામાં ગામના ગૌચરનો હોજ હતો, તે કંપનીએ બુરી નાખ્યો. ગામમાં આવેલા ડેમમાં વચ્ચોવચ પવનચક્કી ઉભી કરવા માટે કામગીરી ચાલુ કરી દીધી આ મુદ્દે આજરોજ સોમવારે શ્રાવણ માસના પહેલા દિવસે ગ્રામજનો દ્વારા ખંભાળિયામાં કલેક્ટર ઓફીસ બહાર “ૐ નમો: સિવાય” ધૂન બોલાવી, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રોસે ભરાયેલા ગામ લોકોએ ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાનીમાં તંત્ર ઉપર સવાલ ઉભા થાય તેવા હોર્ડિંગ, બેનર જેવા કે, “કે.પી. એનર્જી માંથી કેટલા કમાયા?”, “મિયાણી પાવર ઇન્ફ્રા. એ કેટલા માલામાલ કર્યા?”, “ખેડૂતો પૂછે છે હિસાબ દો…. જવાબ દો…..”, “તળાવ ખત્મ કરવાના કેટલા મળ્યા?”, “ગામનો હોજ ખતમ કરવાના કેટલા મળ્યા?”, “તંત્ર એ મૌન રહેવા બદલ કેટલી કિંમત વસૂલી?” “તંત્રના ભેદી મૌન પાછળ કોણ? સરકારનું દબાણ? કે પૈસાનો પાવર?”, “અમને અમારું તળાવ પાછું આપો, અમારો હોજ પાછો આપો” વિગેરે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી, કલેક્ટર કચેરીએ જઈને ઉગ્ર રજુઆત કરીને કંપની સામે દાખલો બેસે તેવા ફોજદારી રહે પગલાં લેવા માંગ કરી હતી.