સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઉમેદવારોના માપદંડને લઈને આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષે નવા 3 નિયમો જાહેર કર્યા છે. જેને લઈને ભાજપના સિનિયર કાર્યકર્તાઓ અને નેતાઓને ટિકિટ મળે તેમ ન હોવાથી ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાનું ત્રાગું શરૂ કર્યું છે.
60 વર્ષની વયમર્યાદાના નિયમથી ચૂંટણીની દ્રાક્ષ ખાટી જણાતાં ભાજપના સિનિયરોનું કહેવું છે કે જો અમને ટિકિટ મળવાની ન હોય તો અમારે શું કોંગ્રેસમાંથી આવેલાંઓને ખભે બેસાડી ફરવાનું? એનાં કરતાં તો નિષ્ક્રિય રહેવું સારું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. જેની ઉમેદવારી માટે હવે શરૂઆત થઈ છે.
ત્યારે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલે ઉમેદવારોના માપદંડોને લઈને ત્રણ નિયમો જાહેર કર્યાં છે. 60 વર્ષથી વધુ ઉંમરવાળાને ટિકિટ નહીં મળે. ત્રણ ટર્મથી રહેલાંને ટિકિટ નહીં મળે અને નેતાઓના સગાસંબંધીઓને ટિકિટ નહીં મળે. વયમર્યાદાના નિયમને લઈને આજે ભાજપના સિનિયર નેતાઓમાં સૌથી વધુ પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. બીજી તરફ પાટિલના નવા માપદંડોની અસર જામનગરના પણ 10 જેટલા પૂર્વ કોર્પોરેટરોને થાય તેમ હોય ચણભણાટ શરૂ થયો છે. તેમજ અસંતોષની લાગણી જોવા મળી રહી છે.