આઈપીઓમાં શેર નહીં મળવાથી લિસ્ટિંગ દિવસે શેરમાં ખરીદી કરનારા રોકાણકારો માટે પસ્તાવાના દિવસો જોવા મળી રહ્યાં છે. છેલ્લા ત્રણ મહિનામાં શેરબજારમાં લિસ્ટિંગ પામેલા 12 આરંભિક ભરણાના લિસ્ટિંગ દિવસના બંધથી મંગળવાર સુધીના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે માત્ર બે કંપનીઓના શેર ભાવમાં જ સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 10 કંપનીઓના શેર્સ તેમના પ્રથમ દિવસના લિસ્ટિંગ ભાવ સામે નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. સપ્ટેમ્બર 2020થી શરૂ થયેલા આઈપીઓ માર્કેટમાં શરૂઆતી સારા લિસ્ટિંગ બાદ રિટેલ ઊંડો રસ લેતાં થયાં હતાં અને તેને કારણે તાજેતરમાં એમટીએઆર ટેકનોલોજી જેવા આઈપીઓમાં 200 ગણું વિક્રમી ભરણું જોવા મળ્યું હતું. જોકે આ ઉન્માદમાં જેઓએ લિસ્ટિંગ દિવસે પ્રોફ્ટિ બુક કરવાના બદલે નવી પોઝિશન લીધી અથવા જેઓ આઈપીઓમાં શેર્સ નહોતા લાગ્યા અને ખરીદી કરવા ગયા તેમણે નુકસાન કરવાનું બન્યું છે. 12 આઈપીઓમાંથી 10 શેર્સ લિસ્ટિંગ દિવસથી ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં મિસિસ બેક્ટર્સ ફૂડનો આઈપીઓ લિસ્ટિંગ ડે બંધ ભાવથી 42 ટકા જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનો શેર રૂ. 288ના ઓફ્ર ભાવ સામે રૂ. 596ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે મંગળવારે તેણે રૂ. 346નું ક્લોઝિંગ દર્શાવ્યું હતું. જે રોકાણકારે લિસ્ટિંગ દિવસે રૂ. 590 આસપાસના ભાવે પણ ખરીદી કરી હશે તે હાલમાં શેર દીઠ રૂ. 150નું નુકસાન ઉઠાવી રહ્યો છે.
આ જ રીતે અન્ય કેટલાંક આઈપીઓમાં પણ લિસ્ટિંગ દિવસના બંધ સામે નોંધપાત્ર નુકસાન જોવા મળી રહ્યું છે. જેમાં એન્ટની વેસ્ટ(-34 ટકા), ઈન્ડિગો પેઈન્ટ્સ (-24 ટકા), હેરંબા ઈન્ડસ્ટ્રીઝ (-21 ટકા), હોમ ર્ફ્સ્ટ(-14 ટકા) અને ઈઝી ટ્રીપ પ્લાનર્સ(-11 ટકા)નો સમાવેશ થાય છે. ઉપરાંત રેલવેની પેટાકંપની આઈઆરએફ્સી, ન્યૂરેકા, એમટીએએઆરટેક અને બર્ગર કિંગના શેર્સ પણ લિસ્ટિંગ દિવસના ક્લોઝિંગથી નીચે જ ટ્રેડ થઈ રહ્યાં છે. માત્ર બે લિસ્ટિંગ એવા છે જેમાં શેર્સના ભાવ પ્રથમ દિવસના કામકાજના અંતે જે ભાવ હતો તેની સરખામણીમાં પોઝિટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં રેલ ટેલ કોર્પોરેશનનો શેર 14 ટકા સુધારો દર્શાવે છે. રૂ. 94ના ઓફ્ર ભાવ સામે રૂ. 121.40ના ભાવે લિસ્ટિંગ દિવસે બંધ રહેનાર શેર મંગળવારે રૂ. 138.25ના ભાવે બંધ જોવા મળતો હતો. જ્યારે સ્ટોવ ક્રાફ્ટનો શેર રૂ. 385ના ઓફ્ર ભાવ સામે રૂ. 4446ના સ્તરે બંધ રહ્યો હતો અને મંગળવારે રૂ. 472 પર બંધ જોવા મળતો હતો.