હરિદ્રાર ખાતે યોજવામાં આવેલ કુંભમેળામાંથી પરત ફરેલા હજારો શ્રદ્ધાળુઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. મધ્ય પ્રદેશના વિદિશામાં કુંભથી પરત આવેલા 83 શ્રદ્ધાળુઓમાંથી 60નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે 22 શ્રદ્ધાળુઓની હજુ જાણકારી મળી નથી. આ બનાવ વિદિશા જીલ્લામાં આવેલા ગ્યારસપુર ગામનો છે.
વિદિશા જિલ્લા પ્રશાસનના અહેવાલ પ્રમાણે 83 તીર્થયાત્રીઓ 3 બસોમાં બેસીને 11થી 15 એપ્રિલ દરમિયાન હરિદ્વાર ગયા હતા.કુંભમાં ગયેલા તમામ લોકોની જાણકારી મેળવીને તેમના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે હરિદ્વાર ગયેલા 83 શ્રદ્ધાળુ પૈકી માત્ર 61ની જ જાણકારી મળી શકી છે અને તેમાંથી 60 કોરોના સંક્રમિત આવ્યા છે. 60 પૈકીના 5ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેમને કોવિડ સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
હરિદ્વાર કુંભ દરમિયાન અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા. આ દરમિયાન અનેક સાધુ સંતોના મોત પણ થયા હતા. . સરકારી અધિકારીઓએ જાહેરમાં કુંભમાં ગંગાસ્નાન વખતે ઊમટેલી ભીડમાં કોરોના અંગેના પ્રોટોકોલ અને નિયમોનું પાલન કરાવવું અશક્ય હોવાની વાત પણ સ્વીકારી હતી. કુંભ મેળામાં શાહી સ્નાન નિમિત્તે જોવા મળેલી ભીડની તસવીરો સમગ્ર દેશમાં ભારે ચર્ચાનો મુદ્દો બની હતી.તેમજ કુંભ મેળાના આયોજનસ્થળની આસપાસ મુલાકાતીઓના ટેસ્ટિંગ માટે હાથ ધરાયેલી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા.શ્રદ્ધાળુઓ સિવાય ઘણા સાધુ-સંતો પણ કોરોનાગ્રસ્ત થયા હોવાના અહેવાલો જોવા મળ્યા હતા.