જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજિત શહેર કક્ષાના વિજ્ઞાન ગણિત-પ્રદર્શન 2022 નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં કુલ 68 બાળકોએ 34 કૃતિઓ રજૂ કરી હતી. જેમાં માહિતી અને પ્રત્યાપન, ઈકો ફ્રેન્ડલી સામગ્રી અને પર્યાવરણ સંબંધિત ચિંતા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન અને નવીન્ય, વર્તમાન નવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ અને આપણા માટે ગણિત એવી 34 કૃતિઓ રજૂ કરાઇ હતી. આ તકે મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓને સ્માર્ટ બનાવવાની કામીરી હાથ ધરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કમિશનર વિજયકુમાર ખરાડી, બીનાબેન કોઠારી, સ્ટે. કમિટિ ચેરમેન મનિષભાઈ કટારિયા દ્વારા દીપ પ્રાગટય કરી પ્રદર્શનનો પ્રારંભ કરાવાયો હતો. શાળાના બાળકો દ્વારા આ પ્રદર્શનમાં વિવિધ પ્રોજેકટો રજૂ કરવામાં આવ્યાં હતાં. સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, શિક્ષણ સમિતિના સભ્ય વિમલભાઈ સોનછાત્રા, રવુફભાઈ, મનિષભાઈ, યાત્રીબેન સહિતના સભ્યો નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના આચાર્યો, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નગર પ્રા. શિ. સ.ના ચેરમેન મનિષભાઈ કનખરા, ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, બીઆરસી પ્રજ્ઞાબેન લીંબડએ જહેમત ઉઠાવી હતી.