રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2017 માં નિમણૂંક પામેલ વિદ્યા સહાયકોને વર્ષ 2022 માં પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં 25 એપ્રિલ 2022 ના રોજ પૂરા પગારમાં સમાવવા હુકમ આપવામાં આવ્યાં હતાં અને તેનું ગાંધીનગરથી વર્ચ્યુલ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં એક જ સમય અને તારીખે વિદ્યા સહાયકોને પૂરા પગારમાં સમાવેશ કરવાની સૂચના હોય જેના અનુસંધાને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના 15 જેટલા વિદ્યાસહાયકોને પૂરા પગારમાં સમાવવાનો હુકમનો કાર્યક્રમ તા.25 એપ્રિલના રોજ સ્ટેન્ડીંગ કમિટીના હોલમાં યોજાયો હતો. આ તકે શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનિષભાઈ કનખરા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, સભ્ય નારણભાઈ મકવાણા, મનિષાબેન બાબરિયા, નિલશેભાઈ આડા, મુકેશભાઈ વસોયા, રઉફભાઈ ગડકરી, સંજયભાઈ દાઉદીયા, દિનેશભાઈ દેસાઈ, બિમલભાઈ છોનછાત્રા, નિરીક્ષક અતુલભાઈ ઠાકર, રાજુભાઈ દવે અને કચેરી સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્વાગત પ્રવચન શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનિષભાઈ કનખરાએ કર્યુ હતું. કાર્યક્રમની રૂપરેખા શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલે આપી હતી. મહાનુભાવોના હસ્તે 15 વિદ્યા સહાયકોને પૂરા પગારમાં સમાવવાના આદેશ આપવામાં આવ્યાં હતાં અને વિદ્યા સહાયકના પ્રતિભાવ બાદ શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા તથા મેયર બીનાબેન કોઠારી વગેરે દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાયું હતું. કાર્યક્રમની આભારવિધિ શિક્ષણ સમિતિના સભ્ય નારણભાઈ મકવાણાએ કરી હતી તથા કાર્યક્રમનું સંચાલન શાળા નં.22 ના આચાર્ય કૌશિકભાઈ ચુડાસમાએ કર્યુ હતું.