જામનગરમાં રહેતા મનોજભાઇ ગણપતભાઇ પરમાર તથા તેમના પિતા ગણપતભાઇ ધુડાભાઇ પરમાર દ્વારા ડીએચએફએલ ફાઇનાન્સ કંપનીમાંથી હાઉસિંગ લોન રૂા. 12,48,648ની લીધી હતી તથા બજાજ આલિયાન્સ પાસેથી ડેથ બેનિફિટ માસ્ટર વિમા પોલીસી લીધી હતી. જેમાં મનોજભાઇ પરમાર કો-એપ્લિકેટ અને નોમિની પણ હોય, ત્યારબાદ આ કામની ફરિયાદીના પિતાનું અવસાન થતાં ફરિયાદી દ્વારા બજાજ આલિયાન્સમાં પોતે લીધેલ ડેથ બેનિફિટ માસ્ટર વિમા પોલીસી અંગે કલેઇમ નોંધાવેલ અને જરુરી તમામ પેપર્સ કલેઇમ ફોર્મ સાથે આપ્યા હતાં. જેમાં વિમા પોલીસી મુજબ વિમા કંપનીએ ફરિયાદીના પિતાના અવસાન બાદ લોનની બાકી રહેતી રકમ રૂા. 5,56,482 ચૂકવવાની હોય, પરંતુ વિમા કંપનીએ બાકી રહેતી રકમની બદલે માત્ર રૂા. 1,02,349 જમા કરાવેલ જેથી ફરિયાદીએ બાકી રહેતી રકમ મળવા બાતે બેંક તથા વિમા કંપનીને અવાર-નવાર લેખિત તથા મૌખિક જાણ કરવા છતાં સામાવાળાઓ દ્વારા કોઇ સંતોષકારક જવાબ આવેલ નહીં જેથી ફરિયાદીએ જામનગરની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદ ગ્રાહક અદાલતમાં ચાલી જતાં ફરિયાદીના વકીલ નિતલ એમ. ધ્રુવની તમામ દલીલો ધ્યાને લઇ બજાજ આલિયાન્સ કંપનીને રૂા. 4,54,133 વાર્ષિક 10.75 ટકા ફરિયાદીની તારીખથી જ્યાં સુધી રકમ ન ચૂકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો તથા રૂા. 5000 ફરિયાદીને માનસિક ત્રાસ પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
ફરિયાદી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, ધ્વનિશ એમ. જોશી, આશિષ પી. ફટાણીયા તથા આસિસ્ટન્ટ જુનિયર કાજલ સી. કાંબરીયા રોકાયેલ હતાં.