સરકારે રાજયમાં નવી જંત્રીના દરમાં 100 ટકાનો વધારો કર્યા બાદ 15મી એપ્રિલ 2023થી તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. આ દરમિયાનમાં સરકારે એવી જાહેરાત કરી દીધી છે કે, 14મી એપ્રિલ 2023 સુધીમાં ઈનવર્ડ થયેલી અરજીઓ અંગે આખરી હુકમ કરતી વખતે જુની જંત્રી ધ્યાને લેવાશે.
એવી જ રીતે, 14મી એપ્રિલ 2023 પછીની તમામ અરજીઓના કિસ્સામાં નવા જાહેર કરાયેલા પ્રવર્તમાન જંત્રીના દરોને ધ્યાનમાં લઈ નિર્ણય કરાશે. મહેસુલ વિભાગે તેના આ નવા નિર્ણય કે સ્પષ્ટતા અંગે તમામ જિલ્લા કલેકટરોને પણ લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે.
હકીકતમાં રાજય સરકાર સમક્ષ એવી રજુઆતો થઈ હતી કે, (1) હકક પત્રકોને અદ્યતન કરવા માટે જે ફેર-માપણી કરાય છે અને તેના આધારે જ માપણી વધારો નિયમબદ્ધ કરવાનો થાય છે. આવી સ્થિતિમાં જંત્રી દર એકવડો કે બમણો વસુલ કરવો? જો કે, સરકારે આવા કિસ્સામાં જુલાઈ-2013માં એક ઠરાવથી તેની જાહેરાત કરી દીધી હતી એટલે હવે, તે ઠરાવને અનુસરવો કે નવા ઠરાવ-નિર્ણય મુજબ નવી (બમણી) જંત્રીનો દર વસુલવો તે પ્રશ્ર્ન ઉભો થયો છે.
એવી જ રીતે, (2) 22મી જૂન 2021ના રોજ ઠરાવ પ્રમાણે રાજય સરકાર દ્વારા ઔદ્યોગીક હેતુસર (સેઝ સિવાય) ફાળવવામાં આવેલી જમીનના કિસ્સામાં કંપની એકટની જોગવાઈઓ અંતર્ગત મર્જર, એકવિઝીશન, એમાલ્ગમેશન તથા શેર હોલ્ડીંગના ફેરફારને પરિણામે કંપનીનું નામ ફેર કરવાનું થાય કે તે નામ તબદીલ કરવાનું થાય ત્યારે કે પછી સંયુક્ત સાહસને જમીન તબદીલ કરવાની થતી હોય ત્યારે 21મી જૂન 2016ના ઠરાવની શરતોને આધીન સરકારી જમીન (સરકાર દ્વારા ફાળવવામાં આવી હોય તેવી જમીન)ની જે તે સમયની પ્રવર્તમાન જંત્રીની કિંમતના 20 ટકા લેખ પ્રિમીયમ વસુલવાનું જાહેર કરાયેલું છે. આવી સ્થિતિમાં કે આવા તમામ કિસ્સાઓમાં મહેસુલ વિભાગ દ્વારા જુલાઈ-2013 અને જૂન-2021ના ઠરાવ મુજબ જંત્રીના દરની વસુલાત કરવી કે નવી જંત્રી (બમણી) જંત્રીના દરને લાગુ કરવો? તે પ્રશ્ર્ન પણ ઉભો થવા પામ્યો છે. પરિણામ સ્વરૂપ, નવા જંત્રીના દરની વસુલાત માટે તંત્રની મુંઝવણ વધી ગઈ છે એટલે હવે, 24મી મે 2023ના રોજ મહેસુલ વિભાગે એવી ખાસ સ્પષ્ટતા કરી છે કે, આવા તમામ કિસ્સાઓમાં જે અરજી 14-4-2023 સુધી ઈનવર્ડ થઈ ગઈ હોય તો તેવી તમામ અરજીઓમાં આખરી હુકમ કરતી વખતે જુની જંત્રી ધ્યાનમાં લઈને તે મુજબ જ પ્રીમીયમ વસુલાશે. પરંતુ જો, 14-4-2023 પછીની તમામ અરજીઓના કિસ્સામાં નવા પ્રવર્તમાન (બમણી) જંત્રીના દરોને ધ્યાનમાં લઈને જ નિર્ણય કરવાનો રહેશે.