ગુડર્વાટ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા જર્કમાં દંડ ન ભરવા અને ટેરિફમાં ભાવમાં ઘટાડો ન કરવા અંગે કરવામાં આવેલ પિટિશન વિરુધ્ધ જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વસભ્ય નીતિન માડમ દ્વારા વાંધા ઉઠાવતાં ગુજરાત વિજ પંચ દ્વારા નીતિન માડમને પક્ષકાર બનાવાનો આદેશ કર્યો છે.
જામનગરમાં નવાગામ (ઘેડ), ગાંધીનગર વિસ્તારમાં આવેલી ગુડર્વાટ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા વોર્ડ નં. 1, 2, 3, 4ના વસવાટ કરતાં હજારો પરિવારના આરોગ્ય સાથે ચેડા થયા હોય, અવાજ, હવા, પાણીમાં પ્રદૂષણ કરીને પરેશાન કરતી આ કંપની વિરુધ્ધ શહેરના જાગૃત નાગરિકો અનેક સંસ્થાઓના સત્તાધારી પક્ષના તથા વિરોધપક્ષના અનેક નગરસેવકો દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ઉર્જામંત્રી, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મુખ્યમંત્રી, વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જામનગર મ્યુનિ. કોર્પોરેશન કમિશનર, મેયર, જામનગર વિગેરેને લેખિત રજૂઆતો કરી હતી. પરંતુ આ અંગે અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા આજદિન સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
આ કંપનીને જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની જમીન ટોકન ભાવે તથા શહેરમાંથી મળતો કચરો મફતના ભાવે આપવામાં આવે છે. આ કંપનીને રૂા. 7.07 પ્રતિ યુનિટના દરે વિજપંચની દરખાસ્ત મંજૂર જ્યારે કંપનીએ લોન મેળવવા માટે પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરાવેલ તેમાં પ્રોજેકટ જાન્યુઆરી-2020માં શરુ થઇ જશે તેવી વિગતો આપી હતી. ત્યારે આ કંપની નિયત સમય મર્યાદામાં આ પ્રોજેકટ શરુ કર્યો નથી. તે અંગે કરોડો રૂપિયાની દંડ (પેનલ્ટી)માંથી બચવા માટે અને હાલ જે ભાવ છે તેમાં કોઇ ફેરફાર ન થાય તે અંગે પિટિશન દાખલ કરી વિજપંચ સમક્ષ વિવિધ રજૂઆતો કરી હોય, શહેરના તથા ગુજરાતના કરોડો વિજ ગ્રાહકોને મોંઘી વિજળીનો બોજ ન વધે તે માટે આ કંપની સામે ગુજરાત વિજપંચ સમક્ષ કેસ નં. 1998/2021માં પક્ષકાર તરીકે જોડવવા નીતિન એ. માડમ દ્વારા અનેક ધારદાર રજૂઆત કરી હતી. આ કંપની વિરુધ્ધ જર્કમાં ચાલતા કેસમાં જામનગર મહાનગરપાલિકાના કોઇ પ્રતિનિધિ કે વકીલ આજ સુધી એકપણ વખત હાજર રહ્યાં નથી. નીતિન એ. માડમ દ્વારા વ્યક્તિગત અનેક ધારદાર રજૂઆતો કરી અને કંપની સામે ચાલતા કેસમાં તા. 17-2-22ના રોજ નામદાર પંચ દ્વારા નીતિન એ. માડમને પક્ષકાર તરીકે જોડવા હુકમ કર્યો છે.
શહેરનો વિકાસ થયો સારી વાત છે, પરંતુ શહેરના હજારો પરિવારોના આરોગ્ય તથા શહેરની હવા, અવાજ, પાણીના પ્રદૂષણના ભોગે વિકાસ શક્ય ન હોય. આગામી દિવસોમાં આ કંપની વિરુધ્ધ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ ફરિયાદ કરવાની તૈયારી પણ કરી રહ્યાં છે.