સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે તરીકે ફરજ બજાવતી કર્મચારીની જાતિય સતામણીનો મામલો વધુ ગરમાયો છે અને આ મામલે રાજ્યના ગૃહમંત્રી દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવી તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેમજ આ ગંભીર મામલે જામનગર કલેકટરે ત્રણ સભ્યોની કમિટી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની જાતિય સતામણી કરવામાં આવતી હોવાના એટેન્ડન્ટ દ્વારા કરાયેલા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવતાં મામલો વધુ ગરમાયો હતો અને આ મામલે કલેકટરને આવેદન અપાયા બાદ આ તપાસ ગાંધીનગર સુધી પહોંચી ગઈ હતી. જેમાં આજે સવારે જી.જી.હોસ્પિટલના ડીન દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવાનું અને દોષી સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ મામલો રાજ્ય સરકાર સુધી પહોંચતા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા એ જી.જી.હોસ્પિટલ પ્રકરણ મામલે કડક તપાસના આદેશ આપ્યા હતાં અને આ તપાસ ત્રણ સભ્યોની કમિટી દ્વારા કરવામાં આવશે તેમજ કમિટી દ્વારા રજૂ કરાયેલા અહેવાલ બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને વધુમાં જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે. આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશ્નરને સુચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતી નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યુ છે.
આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ (અજઙ) અને મેડીકલ કોલેજના ડીનની નિમણુંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે. દરમિયાન રાજ્યમંત્રીના નિવેદન બાદ જામનગર કલેકટર રવિ શંકરે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ સાથે થયેલી જાતિય સતામણીના મામલે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવશે અને આ ત્રણ સભ્યોની કમિટી દ્વારા રજૂ કરાયેલા અહેવાલ બાદ કડક પગલાં લેવામાં આવશે. આ મામલે હાલ મેડીકલ કોલેજના ડિન ડો. નંદની દેસાઈ અને એસડીએમ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ જામનગરની જી. જી.હોસ્પિટલનો મામલો ગાંધીનગર સુધી પહોંચી જતાં સનસનાટી મચી ગઇ છે અને આ મામલે રાજ્ય સરકારના આદેશ બાદ વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ઉપરાંત જાતિય સતામણીનો ભોગ બનેલી કર્મચારીઓએ આજે ડિન સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું અને ડિને આ નિવેદન બાદ આગળની તપાસ હાથ ધરી હતી તેમજ જામનગરના ચકચારી આ પ્રકરણમાં રાજ્યના મુખ્યમંત્રીએ પણ કલેકટર સાથે ચર્ચા કર્યા બાદ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતાં.