સંસદના ચોમાસુ સત્રમાં પેરાસસ જાસૂસી મુદ્દે તેમજ મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્ર્નોને લઇને વિપક્ષો ભારે હોબાળો મચાવી રહયા છે. તેમ છતાં સરકાર ટસનીમસ થતી ન હોય ચોમાસુ સત્રના બાકી બચેલાં સમયમાં સરકારને આક્રમક રીતે ઘેરવાની નીતિ બનાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પહેલ પર વિપક્ષી નેતાઓ એકત્ર થયા હતા. જેમાં શિવસેના, સમાજવાદી પાર્ટી, આરજેડી, ટીએમસી સહિતની મુખ્ય પાર્ટીઓના નેતાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં આગામી દિવસોમાં સંસદ બહાર સમાન્તર સંસદ ચલાવવા તેમજ મોંઘવારીના વિરોધમાં સાયકલ માર્ચ યોજવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.