Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયમોદી સરકાર સામે ઘરમાંથી જ ઉઠયો વિરોધ

મોદી સરકાર સામે ઘરમાંથી જ ઉઠયો વિરોધ

કૃષિ કાયદાઓ સંદર્ભે આજે ભારતીય કિસાન સંધનું (RSS)નું દેશવ્યાપી પ્રદર્શન : ભારતીય મઝદૂર સંઘ આવતીકાલે ગુરૂવારે મોંઘવારીના વિરોધમાં દેખાવો કરશે

- Advertisement -

મુદ્રીકરણ અને મોંઘવારી સહિતના મુદ્દે ભાજપનાં વૈચારિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંલગ્ન સમૂહો દ્વારા વાંધા અને વિરોધના સળવળાટ વચ્ચે હવે સંઘ સાથે જ સંબંધિત ભારતીય કિસાન સંઘે પણ કૃષિ સંબંધિત સમસ્યાઓના વિરોધમાં 8મી સપ્ટેમ્બર એટલે કે આજે દેશવ્યાપી પ્રદર્શનનું એલાન કરી દીધું છે. આમ હવે મોદી સરકાર માટે ઘરમાંથી જ વિરોધનો વંટોળ ઉઠતો દેખાઈ રહ્યો છે.

ભારતીય કિસાન સંઘનાં મહામંત્રી બદ્રીનાથ ચૌધરીએ એક પત્રકાર પરિષદને સંબોધીને કહ્યું હતું કે, ઓગસ્ટમાં તેમના દ્વારા તમામ પ્રાંતનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને કિસાનોની મુશ્કેલીઓના વિષયે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રદર્શન અંતર્ગત પ00 જિલ્લાઓમાં પ્રતીક ધરણા યોજવામાં આવશે. આ ઉપરાંત તમામ જિલ્લા પ્રશાસનોને આવેદન પણ પાઠવવામાં આવશે. ભારતીય કિસાન સંઘની માગ છે કે તમામ કિસાનોને ઉપજનાં યોગ્ય મૂલ્ય મળે. વેપારીઓ ખેડૂતો પાસેથી પાક ખરીદે છે, સરકાર ટેકાનાં ભાવની ઘોષણાઓ કરે છે પણ તેની ચુકવણી 6 મહિને થાય છે. સરકાર ઉપજનાં માત્ર 2પ ટકા જેટલો પાક જ ખરીદે છે. આમાં પણ મોટાભાગની ખરીદી તો માત્ર બે રાજ્યમાંથી જ થાય છે અને બાકીનાં રાજ્યમાં તો નોંધણી પણ થતી નથી.

માટે કિસાનોની માગણી છે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (ટેકાનાં ભાવ) માટે કાયદો બને. સરકારે વ્યવસ્થા કરવી જોઈએ કે કિસાનોને પૂરતું વળતર મળે. અત્યારે જે ટેકાનાં ભાવ આપવામાં આવે છે તે દગો અને છળ છે. તેનાં વિરોધમાં આજે રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે પણ દેખાવો કરવા માટેનું આયોજન ગોઠવવામાં આવ્યું છે.
ભારતીય કિસાન સંઘે ત્રણ કૃષિ કાયદાનો સ્વીકાર કરતાં તેમાં પાંચ સુધારા સૂચવ્યા હતાં. ચૌધરીએ સ્પષ્ટ કર્યું હતું કે, સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવેલા ભારતબંધના એલાનમાં ભારતીય કિસાન સંઘનું સમર્થન નથી. ઉલ્લેખનીય છે કે સંઘ સાથે જોડાયેલા શ્રમિક સંગઠન, ભારતીય મજદૂર સંઘે મોંઘવારીનાં વિરોધમાં 9મીએ દેખાવો યોજવાનું એલાન પણ કરેલું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular