ઝારખંડના કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ તથા તેની સાથે જોડાયેલી કંપનીઓ પર તાજેતરમાં આવકવેરા વિભાગે દરોડા પાડી અને અહીંથી આશરે રૂપિયા 200 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરતા સમગ્ર દેશમાં ભારે ચર્ચા મચી જવા પામી છે. કોંગી શાસન દરમિયાન સાંસદો દ્વારા વ્યાપક પર પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા આજરોજ સાંજે ખંભાળિયામાં વિરોધ વ્યક્ત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લા ભાજપના કાર્યકરો અત્રે જોધપુર ગેઈટ ચોક ખાતે એકત્ર થયા હતા અને હાથમાં બેનરો સાથે કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. અગાઉના વર્ષોમાં દેશમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર કરી અને કરોડો રૂપિયાનું કાળું નાણું ઘર ભેગું કર્યું હોવાના આક્ષેપો સાથે લોકોમાં હાલ આ મુદ્દે જાગૃતિ આવે અને લોકોને કોંગ્રેસના શાસનમાં “ગાંધી કરપ્શન કંપની”ના કથિત ભ્રષ્ટાચારથી લોકો વાકેફ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હોવાનું જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમે જણાવ્યું હતું. સાથે સાથે “ઇન્ડિયા” ગઠબંધનમાં ભ્રષ્ટાચારી નેતાઓ એકત્ર થયા છે તેમ કહી અને આવા નેતાઓ પાસેથી કાળું નાણું કઢાવવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું પણ તેઓએ વધુમાં જણાવ્યું હતું
આ સમગ્ર વિરોધ વ્યક્ત કરતાં કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, રાજુભાઈ ભરવાડ, કોર્પોરેટર જગુભાઈ રાયચુરા, હિતેશભાઈ ગોકાણી, ઇન્દ્રજીતસિંહ પરમાર, રાજ પાબારી, મુકેશભાઈ કાનાણી, મોહિત મોટાણી સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચાર કરી, ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.