Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરરંગમતી નદીમાં વધતા પ્રદૂષણ સામે વિપક્ષ મેદાને, કડક પગલાંની માંગ - ...

રંગમતી નદીમાં વધતા પ્રદૂષણ સામે વિપક્ષ મેદાને, કડક પગલાંની માંગ – VIDEO

એક વર્ષમાં 35 ઉદ્યોગો સીલ, 34ને નોટિસ : પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કાર્યવાહી

જામનગરની રંગમતી નદીમાં છેલ્લા થોડા સમયથી જોવા મળતા ફીણ, રસાયણયુક્ત પાણી અને ગંદકીની સમસ્યાને લઈને શહેરમાં ચર્ચાનો મુદો થયો છે. નદીના પાણીનું પ્રદૂષણ સતત વધતું જતાં હવે રાજકીય સ્તરે પણ ઉકાળે ચઢ્યું છે. વિપક્ષે ખુલ્લેઆમ તંત્ર પર નિશાન સાધી આરોપ મૂક્યો છે કે વર્ષોથી રંગમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છૂટતું હોવા છતાં તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરે છે, કડક પગલાં નથી ભરી કાયમી ઉકેલ થયો નથી. વિપક્ષના નેતા ધવલ નંદાએ જણાવ્યુ કે જો આગામી દિવસોમાં નદી શુદ્ધિકરણ માટે વાસ્તવિક અને કડક પગલાં નહીં લેવામાં આવે તો આ મુદ્દે વ્યાપક લડત શરૂ કરવામાં આવશે. નાગરિકોના આરોગ્ય, પર્યાવરણ અને શહેરની સ્વચ્છતા સાથે સીધો સંબંધ ધરાવતા આ ગંભીર પ્રશ્નને હવે વિપક્ષ તંત્ર સામેના મુખ્ય પ્રશ્ન તરીકે ઉઠાવી રહ્યો છે.

- Advertisement -

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જામનગર પ્રાદેશિક કચેરી દ્વારા નદીના પ્રદૂષણની ગંભીરતા ધ્યાનમાં રાખીને છેલ્લા એક વર્ષ દરમિયાન વ્યાપક તપાસ અને કડક દેખરેખ હાથ ધરવામાં આવી છે. બોર્ડ દ્વારા લાલપુર બાયપાસ, નદીકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં કેટલાક સ્થળોએ રસાયણયુક્ત અવશેષો મળતાં તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. બોર્ડે મહાનગરપાલિકા અને GIDCને પણ સ્પષ્ટ સૂચિત કર્યું છે કે નદીમાં જતા કોઈપણ ડ્રેનેજમાંથી ગંદુ પાણી ન છોડવામાં આવે, તેમજ શહેરના STPની ક્ષમતા વધારી જરૂરી સુધારાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. હાલમાં મહાનગરપાલિકાના બે STPમાં સુધારણા કામ પ્રગતિ હેઠળ છે જ્યારે GIDC વિસ્તારમાં નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાનો પ્રસ્તાવ ચર્ચા હેઠળ હોવાનુ તંત્ર દાવો કરે છે.

- Advertisement -

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નદીમાં ઔદ્યોગિક પ્રદૂષણ ન પહોંચે તે માટે એક વર્ષ દરમિયાન કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોર્ડે ઉદ્યોગોની નિયમિત મોનિટરિંગ કરીને કેમિકલયુક્ત ઔદ્યોગિક પાણી નદી તરફના ડ્રેનેજમાં છોડતા ઝડપાયેલા ઉદ્યોગો સામે તરત જ કેસ તૈયાર કરીને વડા કચેરી મોકલ્યા હતા. તેના આધારે છેલ્લા એક વર્ષમાં કુલ 35 ઉદ્યોગોને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય 34 ઉદ્યોગોને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. આ આંકડો નદીમાં થતા પ્રદૂષણના નિયંત્રણ માટે તંત્રની તીવ્રતા અને ગંભીરતાને દર્શાવે છે.

રંગમતી નદીનો પ્રદૂષણ મુદ્દો હવે માત્ર પર્યાવરણનો ન રહી, પરંતુ સામાજિક અને રાજકીય બન્ને સ્તરે અગત્યનો બન્યો છે. એક તરફ વિપક્ષ તંત્રને વધુ કડક પગલાં લેવા દબાણ કરી રહ્યું છે, તો બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સતત નદીને પ્રદૂષણમુક્ત કરવા મોનિટરિંગ, તપાસ અને ઉદ્યોગો સામે કાર્યવાહી ચાલુ રાખી રહ્યું છે. નાગરિકોમાં પણ ઉમદા અપેક્ષા છે કે નદીનું પ્રાકૃતિક સંતુલન ફરી પુનઃસ્થાપિત કરવામાં તંત્ર સફળ થશે અને રંગમતી નદી ફરીથી સ્વચ્છતા અને સૌંદર્ય સાથે વહેતી જોવા મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular