રાજ્યમાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે. તમામ રાજકિય નેતાઓ પોતાના મત વિસ્તારમાં મતદાન કરી રહ્યા છે અને સાથે જ લોકોને મતદાન કરવાની અપીલ પણ કરે છે. ત્યારે અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજ્યના વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યા હતા.
અમરેલીના મતદાન મથક પર તેઓ સાયકલ ચલાવીને પહોંચ્યા હતા. માત્ર આટલું જ નહીં પરંતુ સાયકલની પાછળ ખાતરની થેલી પણ મુકી હતી. તો તેમની સાથએ જે લોકો હતા તેઓ પણ સાયકલ પાછળ ગેસનો બાટલો મુકીને મત આપવા પહોંચ્યા હતા.
દેશમાં અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં બેફામ વધારો થઇ રહ્યો છે, જેના વિરોધ માટે પરેશ ધાનાણી સાયકલ ચલાવીને આવ્યા હતા. તો હાલમાં ખાતરના ભાવ અને કૌભાંડ મુદ્દે પણ ધમાસાણ ચાલી રહ્યું છે. તો તરફ ગેસના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. આ તમામ વાતોનો વિરોધ કરવા પરેશ ધાનીણી આ રીતે મત આપવા પહોંચ્યા હતા.
પરેશ ધાનાણીએ પોતાનો મત આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, મોંઘવારીએ માઝા મૂકી છે અને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સરકાર શું કરે છે? વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, ગાંધી અને સરદારના ગુલામ બનેલા ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન છે. મોંઘી વિજળી, મોંઘુ બિયારણ, મોંઘુ ખાતર અને ખેતપેદાશ પર કર અને તેમની જમીન ભૂ માફિયા બથાવી રહ્યુ છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીને ટાળવા માટે ભાજપ જાકારો આપવો જરૂરી છે. ગુજરાતમાં મોંઘવારી છે, કૃષિ જગતમાં ખેડૂતનો દીકરો પરેશાન છે.