ગત 13 સપ્ટેમ્બરના રોજ જામનગર શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને વિપક્ષી કોર્પોરેરટ અને વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખિલજીએ માનવ સર્જિત આફત ગણાવી છે. જામ્યુકોના અધિકારીઓની લાપરવાહીને કારણે શહેરના હજારો નાગરિકો પર પૂરની આફત આવી પડી હોય આ ઘટનાની સમિતિ મારફત તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. અન્યથા લોક આંદોલન અને જરૂર પડયે હાઇકોર્ટના દ્વાર ખટખટાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
વોર્ડ નં. 12ના કોર્પોરેટર અસલમ ખિલજીએ કમિશનરને આવેદનપત્ર પાઠવી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગત 13 સપ્ટેમ્બરના રોજ ગઢની રાંગના અંદરના વિસ્તારમાં માત્ર અડધો કલાકમાં 15 થી 20 ફૂટ જેટલાં પાણી ભરાઇ ગયા હતા જેને કારણે લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. જામ્યુકો દ્વારા આ અંગે કોઇ આગોતરી જાણકારી પણ આપવામાં આવી ન હતી. આ માનવસર્જિત આફત અંગે સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. પૂરની પરિસ્થિતિને કારણે વોર્ડ નં. 12માં અંદાજે 100 કરોડ જેટલું નુકસાન થયાનું પણ જણાવવામાં આવ્યું છે. આ આફત માટે જામ્યુકોના અધિકારીઓ અને ઇજનેરોની બેદરકારી જવાબદાર હોય તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી આવા અધિકારીઓ સામે તપાસ યોજવી જોઇએ. તેમજ જે કોઇપણ અધિકારી જવાબદાર ઠરે તેની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઇએ. જો આ રજૂઆત અંગે કોઇ પગલાં લેવામાં નહીં આવે તો લોકઆંદોલન કરવાની તેમજ જરૂર પડયે હાઇકોર્ટનો આશરો લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.