કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પગરખા પર લેવાતા જીએસટીની રકમમાં વધારો કરી, 12 ટકા સુધી કરાતા આ અંગે સમગ્ર રાજ્ય તથા દેશ સાથે ખંભાળિયા પંથકમાં પણ વેપારીઓ દ્વારા વિરોધની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. આના અનુસંધાને વેપારીઓ દ્વારા અહીંના જિલ્લા કલેકટર એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
મધ્યમ વર્ગ તથા સામાન્ય પરિવારો ઉપરાંત મજૂરો અને ખેડૂતોનો 85 ટકા વર્ગ રૂપિયા એક હજારથી ઓછી કિંમતના પગરખાં પહેરે છે. હાલમાં પગરખાના કાચા માલસામાનમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. આમ, વધતા જતા ભાવ વધારા વચ્ચે દુકાળમાં અધિક માસ સમાન સરકાર દ્વારા પગરખા પર લેવામાં આવતી જી.એસ.ટી.ની રકમ પાંચ ટકાથી વધારીને 12 ટકા સુધી કરવામાં આવતા આના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
જીએસટીના વધારાથી નાના વેપારીઓને પોતાના ધંધા-રોજગાર બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની સંભાવના પણ વ્યકત કરાઈ રહી છે. જેના કારણે બેરોજગારીમાં વધારો થવાની દહેશત વચ્ચે આ સમગ્ર બાબતે અંગે અહીંના કટલેરી, હોઝીયરી એન્ડ ફૂટવેર મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ દ્વારા આજરોજ અહીંના જિલ્લા કલેકટરને સંબોધીને એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જીએસટીનો વધારો તાકીદે પરત કરવામાં આવે તેવી માંગ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સહિતના હોદેદારો દ્વારા કરવામાં આવી હતી. આ રજૂઆતમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા.