Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારજામનગર તથા દ્વારકા જિલ્લામાં આજે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ અને બ્લેકઆઉટ

જામનગર તથા દ્વારકા જિલ્લામાં આજે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ અને બ્લેકઆઉટ

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, વાડીનાર અને દ્વારકા ખાતે સાંજે મોકડ્રીલ યોજાશે : જામનગરમાં એરફોર્સ ખાતે મોકડ્રીલ યોજાશે

જામનગર સહિત હાલાર પંથકમાં સિવિલ ડીફેન્સની ઓપરેશન શિલ્ડ મોકડ્રીલનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે પાંચ વાગ્યે જામનગરમાં મોકડ્રીલ યોજાશે. આ સાથે જ રાત્રે 8.00 થી 8.30 દરમ્યાન સમગ્ર જામનગર જિલ્લામાં ફરજિયાત બ્લેકઆઉટ રહેશે. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં પણ આજે સાંજે પાંચ વાગ્યે મોકડ્રીલ અને રાત્રે 7.45 થી 8.30 દરમ્યાન બ્લેકઆઉટ રહેશે.

- Advertisement -

ભારત સરકારના ગૃહમંત્રાલયની સૂચના અનુસાર આજે જામનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વસવાટ કરતાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા તથા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓ વધારવા માટે આજે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાની સૂચના અપાઇ છે. જેના ભાગરૂપે જામનગરમાં પણ આજે આ કામગીરી હાથ ધરાશે. એરફોર્સ સ્ટેશન-જામનગર ખાતે આજરોજ સાંજે પ.00 વાગ્યે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાશે. આ સાથે જ રાત્રે 8.00 થી 8.30 વાગ્યા દરમ્યાન સમગ્ર જિલ્લામાં ફરજિયાત બ્લેકઆઉટ રહેશે. જેની સર્વેએ નોંધ લેવા અને સહકાર આપવા જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ગત તા. 7 મે ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.

- Advertisement -

સમગ્ર ગુજરાતમાં પણ શનિવાર તા. 31 ના રોજ સાંજે 5 વાગ્યે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે.જેના ભાગરૂપે દ્વારકાના એરફોર્સ સ્ટેશન અને વાડીનારમાં કોસ્ટ ગાર્ડ ખાતે પણ આ મોકડ્રિલ યોજવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે. આ ઉપરાંત આ બંને સ્થળોએ શનિવારે રાત્રે 7:45 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ શરૂ થવાના સમયે લાંબુ સાયરન અને પૂર્ણ થવા સમયે ટૂંકું સાયરન વગાડવામાં આવશે.

આ મોકડ્રીલ દરમ્યાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતના જોડાશે. તેમજ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન થશે. જેમાં જિલ્લાના નાગરિકોને સહયોગ આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular