સરકારે મંગળવારે રેમડેસિવિરનો જથ્થો પુરતા પ્રમાણમાં હોવાનો દાવો કર્યો હતો. જોકે જમીની હકિકત કંઈક જુદી હોવાના પુરાવા મળી રહ્યાં છે. ખાસ કરીને એવા દર્દીઓ કે જે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે તેમના સગાઓએ રેમડેસિવિર ઈન્જેક્શન લેવા અમદાવાદમાં ઠેરઠેર ભટકવુ પડ્યું હોય એવા સંખ્યાબંધ દાખલા સામે આવ્યા છે. દર્દીઓના સગાએ રેમડેસિવિર ઈન્જેક્શન માટે પાંચ હજાર રૂપિયા સુધી રકમ ચૂકવવી પડી છે. બુધવારે શહેરની મેડિકલ સ્ટોર્સમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે સંખ્યાબંધ ઈન્કવાયરી આવી હતી.
બોપલ વિસ્તારમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો જેમાંથી ત્રણને હોમ ક્વોરન્ટાઈન અને સિનિયર સિટિઝન સભ્યને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા ખાનગી હોસ્પિટલના ડોક્ટરે દર્દીના સગાને બોલાવી બહારથી રેમડેસિવિર ઈન્જેક્શન મેનેજ કરવા જણાવ્યું હતું. 25થી વધુ જગ્યાએ તપાસ કરવા છતા દર્દીના સગાને રેમડેસિવિર ઈન્જેક્શન મળ્યા નહોંતા ત્યાં સુધી કે દર્દીના સગા ઝાયડસ હોસ્પિટલ અને જીસીએસ હોસ્પિટલમાં ગયા તો 24 કલાક પછી ફોન કરીને આવવા જણાવાયું હતું.
આ એક નહીં પણ સંખ્યાબંધ દર્દીના સગા રેમડેસિવિર ઈન્જેક્શન માટે શહેરમાં રઝળપાટ કરી રહ્યાં છે. રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાતા જેમની પાસે ઈન્જેક્શનનો સ્ટોક છે તેમણે દર્દીના સગા પાસે પાંચ હજાર રૂપિયા સુધી વસૂલવાની શરૂઆત કરી છે. ઇન્જેક્શનના આવા બ્લેક સામે સરકાર લાચાર હોવાનું જણાઈ રહ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે ડો. પીના સોનીએ સોલા સિવિલમાં દાખલ દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું જણાવ્યું હતું.
કોશિયાએ એવો દાવો કર્યો હતો કે, ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલો માટે વધુ 35,000 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરવઠો મળી ગયો છે. એટલે હવે ગુજરાતમાં ક્યાંય રેમડેસિવિર ઇન્જેક્શન્સની તંગી ન પડે એવું આયોજન કરાયું છે. અમદાવાદમાં આજે એક જ દિવસમાં 18,000 થી વધારે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો ટ્રેડ સપ્લાય કરાયો છે. જ્યારે સુરતમાં 6,706, વડોદરામાં 4,151 અને રાજકોટના બજારોમાં 3,878 રેમડેસિવિર ઇન્જેક્શન્સ પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જથ્થો અપાયો છે.
શહેરની એક જાણીતી કોર્પોરેટ હોસ્પિટલના સંચાલકે કહ્યું કે, રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા માટે તેઓ સરકારને એડવાન્સ રૂપિયા જમા કરાવ્યા છે તેમ છતા સ્ટોક આવી રહ્યો નથી. ઈન્જેક્શનનો સ્ટોક નહીં હોવાના કારણે અમે પણ મજબૂર છીએ. આવી જ સ્થિતિ બીજી હોસ્પિટલોની પણ છે. જ્યારે અન્ય કેટલીક હોસ્પિટલો દર્દીઓને રેમડેસિવિરનું પ્રિસ્ક્રિપ્શન પકડાવી દે છે અને પછી દર્દીના સ્વજનોએ ઇન્જેક્શન માટેની લાંબી લાંબી લાઈનોમાં ટળવળવું પડે છે.
હે સરકાર! તમે દર્દીઓના ખોટા આંકડા આપ્યા છે અને હવે અમારા સ્વજનોના શ્વાસના ગણિત ખોરવાઈ રહ્યા છે. તમે રેમડેસિવિરના હજારો-લાખો આંકડાઓ ફેંક્યા કરો છો અને અમે, 6 માત્ર 6 ઇન્જેક્શન ખરીદવા આખો દિવસ લાઈનમાં ઊભા રહીએ છીએ. ક્યારેક કોઈ અમને બ્લેકમાં વેચવા તૈયાર થાય તો 5 હજાર રૂપિયામાં પણ ખરીદી લઈએ છીએ. કારણ કે અમારે અમારા સ્વજનોને બચાવવાના છે.
હે સરકાર! રેમડેસિવિરે તમારો નાર્કોટેસ્ટ લીધો છે અને પરિણામ સામે છે. ‘ઇવીએમ’ પ્રકારના ગણિતો સત્તા મેળવવા સારા લાગે જ્યારે એક એક શ્વાસની કિંમત હોય ત્યારે આવા ગણિત જીવલેણ સાબિત થાય છે. તમે જો દર્દીઓના સાચા આંકડા આપ્યા હોત તો કેટલા ઇન્જેક્શનોની જરૂર પડશે તે પારદર્શકતાથી તમને ખબર પડી હોત અને અમને પણ ખબર પડી હોત. લાગે છે કે તમને પણ એક ઇન્જેક્શનની જરૂર છે, કાશ બજારમાં કાર્યદક્ષતા વધારતું એક ઇન્જેક્શન મળતું હોત…!