જામનગરમાં કોરોના સંક્રમણ હવે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યું છે. ધીમે ધીમે પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લામાં કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને તેની સામે 14 દર્દીઓ સ્વસ્થ થયા હતાં તથા એક દર્દીનું મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.
જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યાની સાથે મોતની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે જામનગર શહેરમાં 3 અને ગ્રામ્યમાં 4 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. જ્યારે હોસ્પિટલમાં એક દર્દીનું મોત નિપજ્યું હતું અને જામનગરમાં કુલ 7 પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. અને તેની સામે શહેરમાં 11 અને ગ્રામ્યમાં 3 સહિત કુલ 14 દર્દીઓ સ્વસ્થ થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ ભાણવડમાં એક કોરોના સંક્રમિત કેસ મળ્યો છે. કાલે આરોગ્ય વિભાગે કુલ 755 કોરોના ટેસ્ટ કર્યા હતા. આ વચ્ચે એક દિવસમાં 14 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.